મુંબઈમાં કોરોનાના રોજિંદા કેસની સરેરાશમાં ઘટાડો : પાલિકા

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Agencies

મુંબઈમાં કોરોનાના રોજિંદા કેસની સરેરાશમાં ઘટાડો : પાલિકા

બીએમસી હેડક્વૉટર

મુંબઈમાં કોવિડ-૧૯ના કેસમાં સ્થિર ઘટાડાના પ્રવાહ સાથે સંક્રમણનો સરેરાશ રોજિંદો વૃદ્ધિદર નીચો ગયો હોવાનું મહામારી સામે શહેરના પ્રતિસાદનું સુકાન સંભાળનારા મનપાના અધિકારીઓએ દાવો કર્યો હતો.

બીએમસી (મુંબઈ મહાનગરપાલિકા)ના એક ટોચના અધિકારીએ જણાવ્યા પ્રમાણે બીજી જૂન સુધીમાં કોવિડ-૧૯ના કેસનો સરેરાશ દૈનિક વૃદ્ધિદર થોડા દિવસ અગાઉ આઠ ટકાથી વધુ ઘટીને ૩.૬૪ ટકા થયો હતો.

બીજી જૂન સુધીમાં શહેરમાં કોવિડ-૧૯ના કુલ ૪૧,૯૮૬ કેસ નોંધાયા હતા અને ૧૩૬૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

બીએમસીના જણાવ્યા પ્રમાણે બીજી જૂન સુધીમાં તેણે ૨.૦૮ લાખ કરતાં વધુ ટેસ્ટ હાથ ધર્યા હતા, જેમાંથી ફક્ત ૨૦.૧૮ ટકા લોકોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. કોવિડ-૧૯ના કેસનો ડબલિંગ રેટ પણ વધીને ૧૯ દિવસ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બીએમસીના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર છેલ્લા એક મહિનામાં ૨૨ મેના એક જ દિવસમાં સૌથી વધુ ૧૭૩૯ કેસ નોંધાયા હતા, જ્યારે સૌથી ઓછા ૪૦૪ કેસ ૧૩ મેના નોંધાયા હતા. અન્ય એક વરિષ્ઠ બીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે કેસની રોજિંદી સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ૨૨ મેથી મોટાભાગના દિવસોમાં ૧૫૦૦ કરતાં ઓછા કેસ નોંધાય છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation