મુંબઈ : બેસ્ટનો વિકલ્પ બનશે MSRTC

18 May, 2020 09:55 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : બેસ્ટનો વિકલ્પ બનશે MSRTC

BEST બસ

બેસ્ટ અન્ડરટેકિંગના ટ્રેડ યુનિયન્સે કર્મચારીઓની સલામતી માટે આજે ‘લૉકડાઉન’ની જાહેરાત કરી છે ત્યારે બસ-વ્યવહાર ચાલુ રાખવા બાબતે અન્ડરટેકિંગના જનરલ મૅનેજરે ફક્ત એટલું જણાવ્યું છે કે આવશ્યક સેવાઓના કર્મચારીઓની હેરફેર પર અસર નહીં થાય, પરંતુ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) તરફથી જણાવવામાં આવ્યું હતું કે વાહનવ્યવહાર સક્રિય રાખવા ૧૫૦૦ બસ અને ૩૫૦૦ ડ્રાઇવર્સની વ્યવસ્થા કરાઈ છે.

હાલની સ્થિતિમાં બેસ્ટ તરફથી જવાબ મળતો નથી. બેસ્ટનો જનસંપર્ક વિભાગ કહે છે કે તેઓ જનરલ મૅનેજર સુરેન્દ્ર બાગડેના નિર્દેશની રાહ જુએ છે.

અત્યાર સુધીમાં બેસ્ટ અન્ડરટેકિંગના કર્મચારીઓમાં કોરોના પૉઝિટિવ કેસ અને એના ઇન્ફેક્શનથી ૮ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. બેસ્ટના ૫૦ કર્મચારીઓને કોરોનાની સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. લોકલ ટ્રેનો દોડતી ન હોવાને કારણે આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે હરવા-ફરવા બેસ્ટની બસો લાઇફલાઇન બની છે, પરંતુ બેસ્ટના કર્મચારીઓમાં કોરોનાના કેસ નોંધાતાં ટ્રેડ યુનિયન્સ કર્મચારીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

રોગચાળા સામે કર્મચારીઓના રક્ષણ માટે બેસ્ટના મૅનેજમેન્ટ તરફથી સંતોષકારક વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનો દાવો ટ્રેડ યુનિયન્સના નેતાઓ કરી રહ્યા છે. બેસ્ટના અધિકારીઓ કહે છે કે ‘સ્ટાફર્સ તરફથી કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. તેમને રોગચાળા દરમ્યાન ફરજ બજાવવા માટે વિશેષ ભથ્થું આપવામાં આવે છે. રોગ સામે રક્ષણની પૂર્ણ સુવિધા આપવામાં આવી છે. તબીબી સારવારની પણ સગવડ આપવામાં આવી છે, પરંતુ કેટલાંક પરિબળો તેમને કામ નહીં કરવા માટે એમ્પ્લૉઈઝ લૉકડાઉન કરવા ઉશ્કેરણી કરે છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown rajendra aklekar