મીરા-ભાઈંદરમાં એકસાથે કોરોનાના 89 કેસથી ગભરાઓ નહીં : કમિશનર

02 June, 2020 07:46 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા-ભાઈંદરમાં એકસાથે કોરોનાના 89 કેસથી ગભરાઓ નહીં : કમિશનર

પ્રતીકાત્મક તસવીર

કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં રવિવારે એક જ દિવસે કોરોનાના ૮૯ કેસ નોંધાતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નવા કેસની સાથે અહીં કોરોનાના કુલ ૭૩૮ દર્દી થયા છે. જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર કહે છે કે ગભરાવાની જરૂર નથી, કારણ કે ૮૯માંથી ૬૧ કેસ અગાઉના પેશન્ટના કૉન્ટૅક્ટના છે અને લૅબોરેટરીએ અગાઉના કેટલાક પેન્ડિંગ રિપોર્ટ એકસાથે મોકલતાં આંકડો મોટો લાગે છે. આ સિવાય પ્રશાસને કોરોના વાઇરસના પેશન્ટને ટ્રેસિંગ કરવાની ઝડપ વધારવાથી પણ છેલ્લા પાંચ દિવસમાં વધારે દર્દીઓ નોંધાય છે.

કોરોનાના દર્દીઓમાં રાજ્યમાં સૌથી વધારે ૬૩ ટકા રિવકરી ધરાવતા મીરા-ભાઈંદરમાં રવિવારે એકસાથે ૮૯ કેસ સામે આવવાની સાથે અહીં આવા દર્દીઓની સંખ્યા ૭૩૮ થઈ છે. આમાંથી ૪૨૪ લોકો સાજા થયા છે, જ્યારે ૨૯ કમનસીબ લોકોનાં મૃત્યુ થયાં છે.

મીરા-ભાઈંર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચારેક કારણથી અહીં કોરોનાના પેશન્ટનો આંકડો વધી રહ્યો છે. એક, લગભગ અઢી મહિનાના લૉકડાઉન બાદ રાજ્ય સરકારના નિર્દેશથી કોરોના પૉઝ‌િટ‌િવ પેશન્ટના કૉન્ટૅક્ટને ટ્રેસ કરવાની ઝડપ વધારાઈ છે. બીજું, રવિવારે નોંધાયેલા ૮૯ પૉઝ‌િટ‌િવ કેસમાંથી ૬૧ અગાઉના કૉન્ટૅક્ટના છે, જ્યારે ૨૩ નવા હતા. ત્રીજું, લૅબોરેટરીએ અગાઉ ત્રણ-ચાર દિવસ પહેલાં લીધેલા સૅમ્પલ એકસાથે આપવાની કરેલી શરૂઆત. ચોથું, છેલ્લા અઠવાડિયામાં મુંબઈમાં લૉકડાઉનમાં ઘણી છૂટછાટ આપવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર વધી. આ તમામને લીધે પેશન્ટનો આંકડો વધ્યો છે. આ બધા દર્દીઓ માઇનર હોવાથી તેમને એકાદ અઠવાડિયામાં ડિસ્ચાર્જ અપાશે. રવિવારે મૃત્યુ પામેલા પાંચ દર્દીમાંથી ત્રણ કૅન્સરના પૅશન્ટ હતા, એકને છેલ્લી ઘડીએ હૉસ્પિટલમાં લવાયા હતા. આથી લોકોએ જરાય ગભરાવાની જરૂર નથી. આમ છતાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું.’

mumbai mumbai news coronavirus covid19 lockdown prakash bambhrolia