કોરોના અપડેટ: મુંબઈમાં ઑટો-ટૅક્સી બંધ રાખવા સામે સવાલ

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના અપડેટ: મુંબઈમાં ઑટો-ટૅક્સી બંધ રાખવા સામે સવાલ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે મહિનાથી મુંબઈમાં સરકારે ઑટો, ટૅક્સી બંધ કર્યાં છે ત્યારે ઇમર્જન્સી વખતે લોકો કેવી રીતે જશે એનો વિચાર સરકારે કરવો જોઈએ એ બાબતનો પત્ર આરટીઆઇ કાર્યકર્તાએ મુખ્ય પ્રધાન, પરિવહન પ્રધાન અને પરિવહન કમિશનરને લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આરટીઆઇ કાર્યકર અનિલ ગલગલીએ રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે દરરોજ સરકાર બંધ બાબતે નવા કાયદાની જાહેરાત કરતી હોવાથી લોકોની હાલત ખરાબ થઈ રહી છે. સામાન્ય લોકો પાસે કાર ન હોવાથી તેઓ ઑટો કે ટૅક્સીનો મહત્તમ ઉપયોગ કરે છે. બે મહિનાથી આ બન્ને બંધ છે ત્યારે કોઈને ઇમર્જન્સી આવી પડે તો તે કેવી રીતે જાય?

અનિલ ગલગલીએ આ બાબતે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ એ બાબતના પત્રો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, પરિવહન પ્રધાન અનિલ પરબ, મુખ્ય સચિવ અજોય મહેતા અને પરિવહન કમિશનર શેખર ચન્નેને લખીને તેમની પાસે જવાબ માગ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે રેલવે વિભાગ દ્વારા દરરોજ જુદા-જુદા રાજ્યની ટ્રેનો વિવિધ સ્ટેશનથી રવાના કરાઈ રહી છે ત્યારે રેલવે-સ્ટેશનથી દૂર રહેતા લોકો કેવી રીતે પહોંચશે એનો વિચાર સરકારે નથી કર્યો. પરપ્રાંતીય મજૂરોને વતન જવા માટે મોટા ભાગની મહાનગરપાલિકા દ્વારા રેલવે-સ્ટેશન પહોંચાડવા બસોની વ્યસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય જનતા માટે કેમ આવી કોઈ ગોઠવણ નથી કરવામાં આવતી?

બે દિવસ પહેલાં બાંદરાથી સાવરકુંડલા માટે ટ્રેન રવાના કરાઈ હતી. આ સમયે દોઢ હજાર જેટલા પ્રવાસીઓ કેવી રીતે રેલવે-સ્ટેશન પહોંચશે એનો વિચાર રાજ્ય સરકારે નહોતો કર્યો. જે લોકોએ ટ્રેન મંજૂર કરાવી હતી તેમણે પોતાની રીતે બધા પ્રવાસીઓને કોઈક રીતે સ્ટેશન પર પહોંચાડ્યા હતા.

હવે જ્યારે અઠવાડિયા પછી એટલે કે ૧ જૂનથી ગુજરાત સહિત અનેક રાજ્યની ટ્રેનો મુંબઈથી શરૂ થશે ત્યારે લોકો રેલવે-સ્ટેશન પહોંચી શકે એ માટેની વ્યવસ્થાનો વિચાર રાજ્ય સરકારે કરવો જોઈએ એવી માગણી કરવામાં આવી રહી છે. સરકાર પોતે ન કરે તો ઑટો કે ટૅક્સીને મંજૂરી આપવી જોઈએ.

mumbai mumbai news coronavirus covid19 lockdown