ભિવંડીમાં 3000 કરતાં વધુ મજૂરોએ ઘરે જવાનું ફૉર્મ ભરવા કર્યો ધસારો

06 May, 2020 07:49 AM IST  |  Mumbai | Diwakar Sharma, Faizan Khan

ભિવંડીમાં 3000 કરતાં વધુ મજૂરોએ ઘરે જવાનું ફૉર્મ ભરવા કર્યો ધસારો

ભિવંડીમાં એસટી-ડેપોમાં ઘરે જવાનું ફોર્મ ભરવા માટે વિશાળ સંખ્યામાં ભેગા થયેલા પરપ્રાંતીય મજૂરો. તસવીર હનીફ પટેલ

થાણે જિલ્લાના ભિવંડીની પાવરલૂમ્સમાં કામ કરતા આશરે ૩૦૦૦ સ્થળાંતરી રોજંદારોને તેમના વતનમાં પહોંચાડનારી ટ્રેનોમાં જવા માટે પોલીસ પાસે નોંધણી કરાવવી પડશે, એવી જાણ થતાં તેઓ ગઈ કાલે ભિવંડીના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ-ડેપોમાં ઊમટી પડ્યા હતા. જોકે વતન જવાની અધીરાઈમાં તેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોને કોરાણે મૂકી દીધા હતા.

‘મિડ-ડે’ આ અરાજકતાભર્યા દૃશ્યનું સાક્ષી બન્યું હતું અને ઉત્તર પ્રદેશ તથા બિહારના તેમના વતનનાં સ્થળોએ જવા માટે ઉત્સુક બનેલા કામદારો સાથે વાતચીત કરી હતી.

મધરાત બાદ ત્રણ વાગ્યાથી એસટી બસ-ડેપો પર મજૂરો એકઠા થવા લાગ્યા હતા અને સવારે સાત વાગ્યા સુધીમાં ખાસ્સી ભીડ જમા થઈ હતી.
અમે ભૂખે મરી રહ્યા છીએ અને લૉકડાઉનને કારણે પાવરલૂમ્સ બંધ થઈ ગઈ હોવાથી અમારી પાસે કોઈ કામ નથી. પાવરલૂમ્સના માલિકોએ તેમના ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધા છે અને કેટલાકે અમારા નંબર બ્લૉક કરી દીધા છે. જ્યારે ખાવા માટે એક દાણો ન હોય ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કોરોના વાઇરસ બધું નકામું છે સાહેબ, એમ પટનાના રહેવાસી નસીરુલ્લાહ અન્સારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત ‘મિડ-ડે’એ નેપાલના મજૂરોની પણ મુલાકાત લીધી હતી. હું નેપાલનો હોવાથી મારી પાસે આધાર કાર્ડ નથી.

હું કેવી રીતે મારા વતન જઈશ? મારા સવાલનો કોઈ પાસે જવાબ નથી એમ નેપાલના વતની ઇન્દ્રદેવે જણાવ્યું હતું. તેનો મિત્ર રામનારાયણ પાલ પણ નેપાલી છે. તેણે કહ્યું હતું કે હું નથી જાણતો કે હું મારા પરિવારને જોઈ શકીશ કે નહીં?

diwakar sharma faizan khan mumbai mumbai news bhiwandi coronavirus