મુંબઈ : ઘાટકોપરમાં શરૂ કરાયું માસ સ્ક્રીનિંગ

27 May, 2020 10:15 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ : ઘાટકોપરમાં શરૂ કરાયું માસ સ્ક્રીનિંગ

ઘાટકોપરમાં લોકોનું સ્ક્રીનિંગ કરી રહેલી ડૉક્ટરોની ટીમ.

ગુજરાતીઓના ગઢ ગણાતા ઘાટકોપરમાં થોડા--થોડા કરીને કોરોનાના દરદીઓની સંખ્યા ૧૨૦૦ જેટલી થવાથી લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આવી જ સ્થિતિ રહી તો આગામી સમયમાં લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની જવાની શક્યતા છે. લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને ઘાટકોપરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના શંકાસ્પદ દરદીઓને ઓળખી કાઢવા માટે સ્થાનિક વિધાનસભ્ય અને કેટલીક સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી માસ સ્ક્રીનિંગની શરૂઆત કરાઈ છે. બે દિવસમાં ૭૭૫ જેટલા લોકોના સ્ક્રીનિંગમાં કોરોનાનો એક શંકાસ્પદ દરદી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય જૈન સંગઠન, ક્રેડઇઈ, એમસીએચઆઇ અને દેશ અપનાયા નામની સંસ્થાઓના સહિયારા પ્રયાસથી ઘાટકોપરમાં બે દિવસથી માસ સ્ક્રીનિંગની શરૂઆત કરવામાં આવી છે.

ભારતીય જૈન સંગઠનનાં ટ્રસ્ટી માનસી તુરખિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસમાં કુલ ૭૭૫ લોકોની તપાસ બે ડૉક્ટર અને બે વૉલન્ટિયરની ટીમ દ્વારા કરાઈ છે, જેમાં એક દરદીને કોરોનાનું સંક્રમણ હોવાની શંકા હોવાથી અમે તેને પાલિકાના આરોગ્ય વિભાગમાં ટેસ્ટ કરાવવાની ભલામણ કરી છે. વિધાનસભ્ય પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય લોકોની મેડિકલ તપાસ થવાના આશયથી અમે વિવિધ સંસ્થાઓની સાથે મળીને કામ શરૂ કર્યું છે. આ પ્રકારના સ્ક્રીનિંગથી કોઈને કોરોનાનાં લક્ષણ દેખાય તો તેને પાલિકાની હૉસ્પિટલમાં સમયસર સારવાર મળી રહેશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown ghatkopar prakash bambhrolia