પાલિકાની હૉસ્પિટલ્સ પૂરતાં પરીક્ષણો કરી રહી નથી: આરોગ્ય વિભાગ

09 April, 2020 07:14 AM IST  |  Mumbai | Arita Sarkar

પાલિકાની હૉસ્પિટલ્સ પૂરતાં પરીક્ષણો કરી રહી નથી: આરોગ્ય વિભાગ

કોરોના પૉઝિટિવના વિસ્તારમાં રહેનાર લોકોની થઈ રહેલી ચકાસણી. તસવીર : સુરેશ કરકેરા.

રાજ્ય સરકાર કોવિડ-19 માટેના ટેસ્ટ કરવાની તેની ક્ષમતા વધારવા માટે સજ્જ થઈ છે અને દૈનિક વધુ ૧૮૦૦ સૅમ્પલ્સનું પરીક્ષણ હાથ ધરશે, પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો મુંબઈમાં હોવા છતાં શહેરમાં નવી એક પણ સુવિધા શરૂ કરાઈ નથી.

રાજ્ય અને મહાનગરપાલિકા તંત્ર વચ્ચે સંવાદનો અભાવ આ માટે જવાબદાર હોય એમ જણાય છે, કારણ કે રાજ્ય સરકારનું માનવું છે કે બીએમસીની લૅબોરેટરીઓ તેમની મહત્તમ ક્ષમતાએ કામ કરી રહી નથી. જોકે મનપાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ એક દિવસમાં ૩૫૦ સૅમ્પલ્સની તેમની ક્ષમતા કરતાં વધુ ટેસ્ટ હાથ ધરી રહ્યાં છે.

રાજ્યના આરોગ્ય ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેઈએમ અને કસ્તુરબા હૉસ્પિટલ ખાતેની લૅબોરેટરીઝ દિવસમાં આશરે ૪૫૦ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરવા માટે સક્ષમ હોવી જોઈએ તેમ છતાં તેઓ ઓછાં પરીક્ષણ કરે છે.

બન્ને લૅબોરેટરીએ કદીયે તેમની પૂર્ણ ક્ષમતા પર કામ કર્યું નથી. મશીનના લોડિંગ દરમિયાન તેઓ મહત્તમ સંખ્યામાં સૅમ્પલ્સ ભરતાં નથી જેને કારણે ટેસ્ટિંગના રાઉન્ડમાં ખાલી સ્લોટ્સ વ્યર્થ જાય છે. મુંબઈમાં વધારાની લૅબ શરૂ કરવાની કોઈ યોજના નથી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અનેક વખત વિનંતી કર્યા છતાં બીએમસી તેમના ડેટાની માહિતી રાજ્યના આરોગ્ય ખાતાને આપતું નથી. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી રાજ્યના આરોગ્ય વિભાગ અને બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા પૉઝિટિવ કેસોમાં અસમાનતા જોવા મળે છે.

mumbai mumbai news mumbai police arita sarkar coronavirus covid19