વૈજ્ઞાનિકોએ કોરોના ટેસ્ટ માટે સસ્તી કિટનું નામ આપ્યું ફેલુદા

14 May, 2020 09:02 AM IST  |  Kolkata | Agencies

વૈજ્ઞાનિકોએ કોરોના ટેસ્ટ માટે સસ્તી કિટનું નામ આપ્યું ફેલુદા

પ્રતીકાત્મક તસવીર

બે ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાની ટેસ્ટ કરી આપતી તદ્દન કિફાયતી અને છતાં ચોક્સાઈભરી કિટ શોધી કાઢી છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ દ્વારા પ્રમાણિત થયેલ આ ટેસ્ટ કિટને ભારત સરકારે માન્યતા આપી દીધી છે અને હવે બહુ ઝડપથી એનું ઉત્પાદન પણ શરૂ થઈ જશે. બે બંગાળી વૈજ્ઞાનિકોએ આ કિટની શોધ કરી હોવાથી તેમણે વિખ્યાત ફિલ્મસર્જક સત્યજીત રાયના જાણીતા પાત્ર ડિટેક્ટિવ ફેલુદા પરથી કોરોના શોધી આપતી આ કિટને પણ ફેલુદા નામ આપ્યું છે! તાતા સન્સ કંપની દ્વારા ઉત્પાદનના કરાર કરવામાં આવ્યા છે. આ કિટ સંબંધિત વિગતો માટે સીએસઆઇઆરના ડિરેક્ટર જનરલ ડૉ. શેખર માન્ડેએ એક અખબારને આપેલી મુલાકાતમાં સત્તાવાર રીતે માહિતી આપતાં કહેવાયું હતું કે આ પેપર સ્ટ્રિપ ટેસ્ટ કિટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ ઍન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલૉજી સંશોધન સંસ્થાના બે વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. દેવજ્યોત ચક્રવર્તી અને સૌવિક મેતી નામના આ બન્ને વૈજ્ઞાનિકો બંગાળી છે. આ એક પેપર બેઝ્ડ ડાયગ્નોસ્ટિક કિટ છે જેમાં એક સૉલ્યુશન લગાડવામાં આવ્યું છે. કોરોના વાઇરસના આરએએનને આ પેપર પર રાખવામાં આવે કે તરત ખાસ પ્રકારના બેન્ડ (લાઇન) દેખાય છે જેનાથી પેશન્ટ પૉઝિટિવ છે કે નેગેટિવ એની ખબર પડી શકે છે. આ સ્ટ્રિપમાં બે બેન્ડ છે. પહેલો બેન્ડ કન્ટ્રોલ બેન્ડ છે, જેનો રંગ બદલાય એટલે ખબર પડે કે સ્ટ્રિપનો ઉપયોગ બરાબર રીતે થયો છે. બીજો બેન્ડ ટેસ્ટ બેન્ડ છે. આ બેન્ડનો રંગ બદલાય એનો અર્થ એ થશે કે પેશન્ટ કોરોના પૉઝિટિવ છે. જો કોઈ બેન્ડ ન દેખાય તો પેશન્ટ કોરોના નેગેટિવ હોવાનું કહી શકાશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown