મુંબઈથી ગામમાં જઈને ખેતરમાં રહેનારા યુવકને થયું કોરાનાનું સંક્રમણ

12 May, 2020 09:44 AM IST  |  Dhule | Gujarati Mid-day Correspondent

મુંબઈથી ગામમાં જઈને ખેતરમાં રહેનારા યુવકને થયું કોરાનાનું સંક્રમણ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ મુંબઈ અને પુણે જેવા શહેરમાં સ્થિતિ દિવસે-દિવસે ભયાનક બની રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વતન તરફ જઈ રહ્યા છે. જોકે લોકોની આ હિજરતને લીધે શહેર બાદ ગામમાં પણ કોરોનાના કેસ વધવાની શક્યતા જોવાઈ રહી છે. મુંબઈથી ધુળેના ગામમાં ગયેલો યુવક ખેતરમાં રોકાયો છે ત્યારે તેને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવક ગામમાં પ્રવેશ્યો હોત તો અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હોત.

ધુળેના શિંદખેડા તાલુકાના ડાંગુર્ણે ગામમાં એક યુવક મુંબઈથી થોડા દિવસ પહેલાં પહોંચ્યો હતો. યુવકે ગામમાં જવાને બદલે ખેતરમાં રહેવાનો નિર્ણય લીધો હતો. ઉચ્ચ શિક્ષિત આ યુવક એક કંપનીમાં કામ કરે છે. આથી તેને ખબર હતી કે થોડા દિવસ ખેતરમાં રહેવું યોગ્ય છે.

ત્રણ દિવસ ખેતરમાં રહ્યા બાદ યુવકને તાવ આવવા લાગ્યો હતો. આથી તે ઘરે જવાને બદલે સીધો દવાખાને પહોંચ્યો હતો. શ્રી ભાઉસાહેબ હિરે મેડિકલ કૉલેજમાં પહોંચ્યા બાદ તેની સ્વૉબ ટેસ્ટ કરવામાં આવી, જે પૉઝ‌િટ‌િવ આવી હોવાનું જાણવા મળ્યું હતું.

યુવક મુંબઈથી સીધો તેના ઘરે ગયો હોત તો તેને લીધે અનેક લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોત. યુવક સતર્ક રહ્યો અને બીજાને સંક્રમિત થવાથી બચાવ્યા હોવાથી તેના પરિવારજનોની સાથે ગામવાસીઓએ આ યુવકની સૂઝબૂજની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ધુળેના ગામમાં તો લોકો બચી ગયા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી હજારો લોકો મુંબઈ અને પુણે જેવાં શહેરો છોડીને તેમના ગામ તરફ જઈ રહ્યા છે. તેમનાથી ગામમાં કોરોનાના કેસ વધવાની શક્યતા નકારી ન શકાય.

mumbai mumbai news coronavirus covid19 lockdown