રેમડેસિવીરની સપ્લાયમાં પ્રૉબ્લેમ્સ પ્રાણઘાતક?

16 July, 2020 07:44 AM IST  |  Mumbai | Mayur Parikh

રેમડેસિવીરની સપ્લાયમાં પ્રૉબ્લેમ્સ પ્રાણઘાતક?

પ્રતીકાત્મક તસવીર

હાલ ઉત્તર મુંબઈમાં કોરોનાની સૌથી ખરાબ અસર દેખાઈ રહી છે. આખા મુંબઈમાં સૌથી ખરાબ પરિસ્થિતિ બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગામ અને દહિસરમાં છે. આ પરિસ્થિતિ પાછળ કોણ જવાબદાર? આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રેમિડેસિવીર જેવી દવાઓનો સ્ટૉક સમયસર ઉત્તર મુંબઈમાં પહોંચી શક્યો નથી.

ચારકોપ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય યોગેશ સાગરે આરોપ લગાવ્યો છે કે મહત્ત્વપૂર્ણ એવી રેમિડેસિવીર દવાનો સ્ટૉક સમયસર ઉત્તર મુંબઈમાં પહોંચી શક્યો નથી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘ઈશાન મુંબઈમાં આ દવાનો સ્ટૉક ઘણી મોટી માત્રામાં ઉપલબ્ધ થઈ શક્યો, પરંતુ ઉત્તર મુંબઈ જ્યાં પરિસ્થિતિ ગયાં બે સપ્તાહથી વણસી છે ત્યાં આ દવા પહોંચી શકી નથી.’

તેમનું કહેવું છે કે કંપનીએ દવાઓ ડિસ્ટ્રિબ્યુટર થકી દુકાનો સુધી પહોંચાડી, પરંતુ આ દવાને શી રીતે ઉપલબ્ધ કરાવવી એ સંદર્ભની કોઈ જ ગાઇડલાઇન ન હોવાને કારણે આ દવાનો સ્ટૉક નિયંત્રિત રીતે વિતરિત થયો અથવા અનેક જગ્યાએ એની કાળા બજારી પણ થઈ.

હાલમાં જ મીરા રોડ વિસ્તારમાં રેમિડેસિવીરની કાળા બજારી કરતી બે વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. આમ જરૂરી દવાનો પુરવઠો યોગ્ય હાથોમાં પહોંચી રહ્યો નથી. 

વાત એમ છે કે બે ભારતીય કંપનીઓએ ૧૫ જૂનથી રેમિડેસિવીર બનાવવાની શરૂઆત કરી, જેનો પહેલો જથ્થો જૂનના છેલ્લા સપ્તાહમાં આવી પહોંચ્યો. ત્યાર બાદ સપ્લાયર થકી આ દવાઓ કેમિસ્ટ સુધી પહોંચી. નામ ન આપવાની શરતે મુલુંડના એક કેમિસ્ટે ગુજરાતી ‘મિડ-ડે'ને જણાવ્યું કે ‘આજની તારીખમાં દૈનિક ૬૦૦થી ૭૦૦ લોકોના રેમિડેસિવીર દવા માટે ફોન આવે છે. અમે આટલી જરૂરિયાતને પહોંચી વળીએ એમ નથી. આ પરિસ્થિતિમાં અનેક લોકોને  અસુવિધા પહોંચી રહી છે, પરંતુ આનો કોઈ ઇલાજ નથી.’

બીજી તરફ ઉત્તર મુંબઈ પાસે દવાનો પૂરતો જથ્થો નથી એવી વાત વહેતી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં રેમિડેસિવીરના ઉત્પાદકોએ નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ આઇસીયુમાં ભરતી થઈ હોય અને દવાની તાતી જરૂર હોય તેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને આધાર કાર્ડ પર દવા આપવામાં આવશે એટલું જ નહીં, આ દવાઓ માત્ર હૉસ્પિટલને આપવામાં આવશે. આમ દવાઓની સપ્લાય સંદર્ભે નિયમાવલી બની છે. આ નિયમાવલી એટલી જટિલ છે કે કોને દવા મળશે અને કોને નહીં મળે એની કોઈ ખાતરી નથી. બીજી તરફ આ સમસ્યામાંથી બહાર નીકળવાનો દરદીઓ પાસે કોઈ રસ્તો નથી. દરદીની હાલત ખરાબ થતી જાય છે અને રેમિડેસિવીર ઉપલબ્ધ નથી.

મુંબઈ મહાનગરપાલિકા પાસે આ દવાનો પૂરતો જથ્થો છે, પરંતુ આ દવા પાલિકાની હૉસ્પિટલમાં જ વપરાઈ જાય છે. આ વિષય સંદર્ભે ‘મિડ-ડે’એ બીએમસીનો પક્ષ જાણવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શંકર વારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ‘આ દવા સામાન્ય માણસ માટે દુકાનમાં ઉપલબ્ધ નથી, પરંતુ બીએમસીની હૉસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે. જે કોઈ વ્યક્તિને આ દવાની આવશ્યકતા હોય તેણે પોતાનો ઇલાજ બીએમસીની હૉસ્પિટલમાં કરવો પડશે અથવા પ્રાઇવેટ હૉસ્પિટલના મારફત આ દવા કંપની પાસેથી મંગાવવી પડશે.’

આમ ઉત્તર મુંબઈની ખરાબ અવસ્થા માટે દવાનું સામાન્ય રીતે સર્વ કોઈને સુલભ ન હોવું એ એક કારણ નિશ્ચિતપણે છે.

કંપનીએ દવાઓ ડિસ્ટ્રિબ્યુટર થકી દુકાનો સુધી પહોંચાડી, પરંતુ આ દવાને શી રીતે ઉપલબ્ધ કરાવવી એ સંદર્ભે કોઈ જ ગાઇડલાઇન ન હોવાને કારણે આ દવાનો સ્ટૉક નિયંત્રિત રીતે વિતરિત થયો અથવા અનેક જગ્યાએ એનાં કાળાબજાર પણ થયાં.
- યોગેશ સાગર, વિધાનસભ્ય

આ દવા સામાન્ય માણસ માટે દુકાનમાં ઉપલબ્ધ નથી, પરંતુ બીએમસીની હૉસ્પિટલમાં આ દવા ઉપલબ્ધ છે. જે કોઈ વ્યક્તિને આ દવાની આવશ્યકતા હોય તેણે પોતાનો ઇલાજ બીએમસીની હૉસ્પિટલમાં કરાવવો પડશે અથવા પ્રાઇવેટ હૉસ્પિટલ મારફત આ દવા કંપની પાસેથી મગાવવી પડશે.
- શંકર વાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

mumbai mumbai news coronavirus covid19 lockdown