હૉસ્પિટલના સ્ટાફે PPEની માગણી કરતાં મૅનેજમેન્ટે આપી કાર્યવાહીની ધમકી

22 April, 2020 10:02 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

હૉસ્પિટલના સ્ટાફે PPEની માગણી કરતાં મૅનેજમેન્ટે આપી કાર્યવાહીની ધમકી

જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલી બાળાસાહેબ ઠાકરે ટ્રોમા હૉસ્પિટલ. ફાઇલ ફોટો - દત્તા કુંભાર

મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જોગેશ્વરીસ્થિત બાળાસાહેબ ઠાકરે ટ્રોમા હૉસ્પિટલ સમસ્યાથી ઘેરાઈ હોય એમ જણાય છે. ડૉક્ટરો તથા અન્ય મેડિકલ સ્ટાફે હૉસ્પિટલના ડીનને અનેક પ્રશ્નો દર્શાવતો પત્ર પાઠવ્યો છે જેમાં સેફ્ટી કિટના અભાવનો પણ સમાવેશ થાય છે. ત્યારે એના પ્રત્યુત્તરરૂપે વહીવટી તંત્રે સ્ટાફને તેમની ફરજ નિભાવવા અને તેમ ન થયે શિસ્તબદ્ધતાની કાર્યવાહી ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.

હૉસ્પિટલમાં કોવિડ-19ના દરદીઓ સારવાર લઈ રહ્યા હોવાથી મેડિકલ સ્ટાફ હૉસ્પિટલના વહીવટી તંત્રને તેમને પૂરતી સેફ્ટી કિટ તથા સુરક્ષાત્મક ઉપકરણો આપવા માટે જણાવતો આવ્યો છે. એક ડૉક્ટરે નામ ન જણાવવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે અહીં અમારી ફરજ બજાવી રહ્યા છીએ. અમે પણ વર્તમાન પરિસ્થિતિ સામે લડી રહેલી ટીમનો ભાગ બનવા માગીએ છીએ, પણ ડૉક્ટરો પાસે પૂરતી સેફ્ટી કિટ્સ ન હોવાથી તેઓ બહેતર અને વધુ સલામતીની માગણી કરી રહ્યા છે.’ અન્ય એક મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે ‘કેટલોક સ્ટાફ તેમની ફરજ બજાવવા માટે તૈયાર નથી. આ પ્રકારની વર્તણૂક પાછળનું એક માત્ર કારણ એ છે કે હૉસ્પિટલમાં સુરક્ષાત્મક કિટ્સનો તથા સલામતીનો અભાવ છે.’

ડૉક્ટરોએ ચોથી એપ્રિલના રોજ હૉસ્પિટલના ડીનને ફરિયાદનો પત્ર પાઠ્યો હતો. જોકે ત્રણ દિવસ પછી વહીવટી તંત્રએ નોટિસ થકી ચેતવણી આપી હતી કે જો મેડિકલ સ્ટાફ તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ નીવડ્યો તો તેમની સામે પગલાં લેવાશે. ‘મિડ-ડે’ પાસે ડૉક્ટરોનો પત્ર તથા વહીવટી તંત્રની નોટિસની એક નકલ ઉપલબ્ધ છે.

mumbai mumbai news sanjeev shivadekar coronavirus covid19