ચિયર્સ... આજથી મહારાષ્ટ્રમાં શરાબની હોમ ડિલિવરી શરૂ થશે ?

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ચિયર્સ... આજથી મહારાષ્ટ્રમાં શરાબની હોમ ડિલિવરી શરૂ થશે ?

સામાજીક અંતરનાં પાલનોનું ઉલ્લંઘન થયા બાદ બીએમસીએ ગયા અઠવાડિયે દારૂના વેચાણને સ્થગિત કરી દીધી હતી

મહારાષ્ટ્રમાં ગઈ કાલે દારૂની હોમ ડિલિવરી માટેનો માર્ગ મોકળો થયો હતો. રાજ્ય સરકારે લોકોની માગણી સ્વીકારતાં આવતી કાલથી જેઓ નશો કરે છે તેઓ દારૂની હોમ ડિલિવરી મેળવી શકશે. સરકારે ગઈ કાલે કેટલીક શરતો સાથે દારૂના ઑનલાઇન વેચાણની મંજૂરી આપી છે. સરકારે આ બાબતે ગઈ કાલે જાહેરનામું બહાર પાડ્યું હતું.

દેશભરમાં લૉકડાઉન જાહેર થયા બાદ ૪૦ દિવસ સુધી રાજ્યમાં વાઇન શૉપ બંધ રખાઈ હતી. ૪ મેએ લૉકડાઉન-3માં વાઇન શૉપ ખોલવાની મંજૂરી અપાયા બાદ મોટી સંખ્યામાં લોકોએ દુકાનો પર ગિરદી કરીને લૉકડાઉનના નિયમનો ભંગ કરતાં સરકારે રાજ્યના મુંબઈ સહિતનાં અનેક શહેર અને જિલ્લામાં દુકાનો ફરી પાછી બંધ કરી દેવી પડી હતી.

ભારતમાં દારૂની હોમ ડિલિવરી કરવા માટે કોઈ કાયદો નથી. જુદા-જુદા રાજ્યમાં દારૂ પીવા માટેના પણ વિવિધ કાયદા અમલમાં છે એથી દારૂની હોમ ડિલિવરીનો કાયદો સરકારે બનાવવો જોઈએ એવી માગણી ઇન્ટરનૅશનલ સ્પિરિટ્‌સ ઍન્ડ વાઇન અસોસિએશન ઑફ ઇન્ડિયા (આઇએસડબ્લુએઆઇ)એ કરી હતી. આનાથી સરકારની આવક વધવાથી ફાયદો થશે એવું અસોસિએશનના કાર્યકારી અધ્યક્ષ અમૃત સિંહે કહ્યું હતું.

લૉકડાઉનના સમયમાં દારૂની હોમ ડિલિવરી કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં ગયા શુક્રવારે સર્વોચ્ચ અદાલતે રાજ્યોને આ વિશે નિર્ણય લેવાની તાકીદ કરી હતી. આને પગલે મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે લૉકડાઉનના સમયગાળા દરમ્યાન દારૂની હોમ ડિલિવરી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

હવે દારૂના વેચાણ માટે ઈ-ટોકન સિસ્ટમ

લિકરની ખરીદી માટે થતી ભીડ પર કાબૂ મેળવવા મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે નિર્ણય લીધો છે કે લિકરની ખરીદી માટે હવે ઑનલાઇન ટોકન સિસ્ટમ લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે પુણેમાં શરૂ થશે. જ્યારથી મહારાષ્ટ્રમાં લિકર શૉપ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારથી દારૂની દુકાનોની બહાર વધુપ તી ભીડ જોવા મળી રહી છે જે સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહી છે.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યા અનુસાર આ નવા પ્રોજેક્ટ અનુસાર, લિકર ખરીદતાં પહેલાં ગ્રાહકે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પૉર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પછી ખરીદી કરવાની રહેશે. જે લોકોને ટોકન મળશે તેઓ જ દારૂની ખરીદી કરી શકશે. આવું કરવાથી એક જ સમયે કોઈ પણ લિકર શૉપની બહાર વધુ લોકોની ભીડ જમા થશે નહીં. સરકાર અમુક લોકોની લિમિટ પણ નક્કી કરશે. આ પાઇલટ પ્રોજેક્ટ પર શરૂઆતમાં પુણે શહેરમાં પ્રયોગ કરવામાં આવશે.

હોમ ડિલિવરીની શરતો

૧. લાઇસન્સ ધરાવતા દુકાનદારો દારૂનું વેચાણ કરી શકશે
૨. દુકાનદારો ઑર્ડર સિવાય દારૂનું વેચાણ નહીં કરી શકે
૩. નક્કી કરાયેલા દિવસ અને સમયે દારૂની હોમ ડિલિવરી કરી શકાશે
૪. ડિલિવરી કરનારે માસ્ક પહેરવાની સાથે પોતાની સાથે સૅનિટાઇઝર રાખીને વારંવાર હાથ ચોખ્ખા કરવા પડશે
૫. લૉકડાઉન હશે ત્યાં સુધી આ નિયમ પાળવાના રહેશે

દરરોજ ૨૪ લાખ લિટર દારૂ પિવાય છે

મહારાષ્ટ્રમાં દારૂનું વેચાણ કરતી ૧૦,૮૨૨ દુકાનો છે, જેમાં દરરોજ ૨૪ લાખ લિટર દારૂના વેચાણ સાથે વર્ષે ૮૬.૭ કરોડ લિટર દારૂ લોકો ગટગટાવી જાય છે. ૩૫ કરોડ લિટર દેશી દારૂ, ૨૦ કરોડ લિટર વિદેશી દારૂ અને ૩૧ કરોડ લિટર બિયર તથા ૭૦ લાખ લિટર વાઇનનું વેચાણ થાય છે.

mumbai news mumbai coronavirus covid19 lockdown