દર્દીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં હિન્દુજા હૉસ્પિટલનો સ્ટાફ ટેન્શનમા

14 March, 2020 08:19 AM IST  |  Mumbai

દર્દીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં હિન્દુજા હૉસ્પિટલનો સ્ટાફ ટેન્શનમા

હિન્દુજા હૉસ્પિટલનો સ્ટાફ

માહિમની પી. ડી. હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીનો કોરોના વાઇરસની ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં ગઈ કાલની બપોરથી એ હૉસ્પિટલના કર્મચારીઓથી સંચાલકો સુધી સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ૯ માર્ચે દુબઈથી આવેલા દર્દીના સૅમ્પલ્સના ટેસ્ટનો રિપોર્ટ મળ્યા પછી તેમના સંપર્કમાં આવેલા ડૉક્ટરો, સ્ટાફર્સ અને દર્દીઓને તેમનાં નિવાસસ્થાનોમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમનાં પણ સૅમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે.

ગઈ કાલે મિડ-ડેના સંવાદદાતાએ હિન્દુજા હૉસ્પિટલ અને આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે હૉસ્પિટલના સ્ટાફર્સ, સિક્યૉરિટી ગાર્ડ્સ અને દર્દીઓનાં સગાંએ માસ્ક પહેર્યા હતા અથવા તેમના નાક અને મોઢાને રૂમાલ વડે ઢાંક્યા હતા. જેમની પાસે માસ્ક નહોતા એ લોકો માસ્ક મેળવવા દોડધામ કરતા હતા. પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરે દર્દીઓ પાસે કે હૉસ્પિટલના પરિસરમાં ભીડ કે જમાવડો કરવા સામે તાકીદ કરતી નોટિસ મૂકી છે. હૉસ્પિટલની અંદર રહેવા માટે એક દર્દી દીઠ એક જણને છૂટ આપવામાં આવી છે.

હૉસ્પિટલના પ્રવક્તાએ મિડ-ડેના પ્રતિનિધિને જણાવ્યું હતું કે ‘સરકારની માર્ગદર્શક સૂચનાઓને અનુસરતાં સાવચેતીનાં બધાં પગલાં લીધાં હોવા છતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા એક દર્દીની કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. હૉસ્પિટલે મુંબઈ મહાનગરપાલિકાની સૂચનાઓનું પાલન કરીને એ દર્દીને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કર્યો છે.’

આ પણ વાંચો : કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં ઘાટકોપરનાં 460 ઘરની થઈ તપાસ

મુંબઈ મહાનગરપાલિકાનાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે ‘હિન્દુજા હૉસ્પિટલમાં સંબંધિત દર્દીના સંપર્કમાં આવેલા સ્ટાફર્સ અને ડૉક્ટરોને પોતાની રીતે એકાંતવાસ (આઇસોલેશન)માં રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા એ ૩૩ જણના સૅમ્પલના રિપોર્ટ્સ મહાનગરપાલિકાની મૉલેક્યુલર ડાયગ્નૉસ્ટિક લૅબોરેટરી તરફથી શનિવારે પ્રાપ્ત થશે. હિન્દુજા હૉસ્પિટલમાં ઇન્ફેક્શન કન્ટ્રોલ કમિટી છે અને ત્યાં ચેપ તથા રોગના નિવારણનાં બધાં પગલાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર લેવામાં આવે છે.’

coronavirus mumbai mumbai news hinduja hospital brihanmumbai municipal corporation dubai