મુંબઈ: ભેજાબાજ યુવાને મુંબઈથી વતન પહોંચવા માટે 25 ટન કાંદા ખરીદ્યા

28 April, 2020 10:32 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ: ભેજાબાજ યુવાને મુંબઈથી વતન પહોંચવા માટે 25 ટન કાંદા ખરીદ્યા

કાંદા

કોરોનાના સંકટમાં દેશભરમાં કરાયેલા લૉકડાઉનમાં લાખો લોકો અટકી પડ્યા છે ત્યારે અમુક લોકો દૂધના ટૅન્કર કે ઍમ્બ્યુલન્સમાં છુપાઈને જતા પકડાયાના બનાવ સામે આવ્યા છે, પરંતુ વતન જવા માટે કોઈએ ત્રણ લાખ રૂપિયાના કાંદા ખરીદ્યા હોય એવી કદાચ પહેલી ઘટના બની છે.

મળેલી માહિતી મુજબ પ્રેમા મૂર્તિ પાંડે મુંબઈ ઍરપોર્ટ પર કામ કરતો હતો. ત્રણ અઠવાડિયાંના લૉકડાઉનમાં તે ચૂપચાપ બેસી રહ્યો હતો, પરંતુ ૩ મે સુધી એ લંબાવાતાં અકળાઈ ગયેલા પ્રેમાએ પોતાના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ નજીકના વતને જવા માટે ગજબનો આઇડિયા લગાવ્યો હતો.

જીવનજરૂરી વસ્તુના વેચાણ કરવા તેણે નાશિક પાસેના પીંપળગાવમાંથી એક મિની ટ્રક ભાડે રાખીને પહેલાં ૧૦,૦૦૦ રૂપિયાના કલિંગર ખરીદીને માલ મુંબઈ મોકલ્યો હતો. પોલીસ કે પ્રશાસન જીવનજરૂરિયાત વસ્તુનાં વાહનોને અટકાવતી ન હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ તેણે મુંબઈના વેપારી સાથે કાંદાના વેચાણના કરાર કર્યા હતા.

તેણે પીંપળગાવમાં આવેલી કાંદાની માર્કેટમાંથી ૨૫,૫૨૦ કિલો કાંદા ૯ રૂપિયા ૧૦ પૈસાના ભાવથી ૨.૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યા. આ માલ લઈ જવા માટે તેણે ૭૭,૫૦૦ રૂપિયાના ભાડે એક ટ્રક રાખી. એમાં કાંદા ભર્યા. આ માલ સાથે તે ૨૦ એપ્રિલે અહીંથી પ્રયાગરાજ જવા રવાના થયો હતો.

૧૨૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને તે ટ્રક સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો. અહીં કાંદાની હોલસેલ માર્કેટમાં તે કાંદા વેચવા ગયો હતો, પરંતુ કોઈ આ માલ રોકડ રકમમાં ખરીદવા તૈયાર ન થતાં તે કાંદા ભરેલી ટ્રક પોતાના ગામ કોટવા મુબારકપુર લઈ ગયો હતો.

પ્રેમા પાંડે મુંબઈથી ગામમાં આવ્યો હોવાની જાણ થતાં તેને હોમ ક્વૉરન્ટીન કરાયો છે. કાંદાનું વેચાણ ન થયું, પરંતુ પોતે પોતાના ઘરે પહોંચ્યાનો આનંદ તેણે વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે ઘરે પહોંચવાનો આનંદ મેળવવા માટે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.

onion prices mumbai mumbai news prakash bambhrolia