જજે આપી વકીલોને સલાહ : વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કેસ લડવાની આદત કેળવો

17 May, 2020 09:57 AM IST  |  Mumbai | Agencies

જજે આપી વકીલોને સલાહ : વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કેસ લડવાની આદત કેળવો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના પ્રસારને કારણે વકીલોએ હાઇબ્રીડ પદ્ધતિ અપનાવવી પડશે, જેમાં કેટલાક કેસ કોર્ટમાં હાજર રહીને તો કેટલાક કેસમાં વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કામ કરવાનું રહેશે એમ મુંબઈ હાઈ કોર્ટના જજે ગઈ કાલે જણાવ્યું હતું.

વિશ્વવ્યાપી મહામારીના સમયમાં ઈ-કોર્ટ્સ અને કાનૂની વ્યવહારના વિષય પર ઑનલાઇન વ્યાખ્યાન આપતાં જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં કાનુની વ્યાવસાયિકોની કમાણી પર પણ અસર પડી રહી છે.

ચોક્કસ ખબર નથી કે ક્યાં સુધી, પણ લાંબા સમય સુધી હાઇબ્રીડ સિસ્ટમ ચાલુ રહેશે જ્યાં કેટલાક કેસ વિડહિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગને જાળવતાં અન્ય કામ અદાલતમાં કરવામાં આવશે.

વકીલોએ સમય સાથે અનુકૂળ થઈ કમ્પ્યુટર, ટૅબ્લેટ્સ અને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવાં ઉચ્ચ સાધનોમાં રોકાણ કરવાની જરૂર છે અન્યથા તેમની આવકમાં ઘટાડો નોંધાતાં વાર નહીં લાગે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે જેમાં કેસ લડનારાઓ હવે વકીલોની ફી ચૂકવવા સક્ષમ ન પણ હોય . એ ઉપરાંત વકીલો પાસેનું કામનું પ્રમાણ પણ ઘટવું અપેક્ષિત છે.

કાનૂની વ્યાવસાયિકોએ વિડિયો-કૉન્ફરન્સ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થવાના શિષ્ટાચાર પણ શીખવાના રહેશે તેમ જ તમે ઘરેથી કામ કરતા હોવાથી કોર્ટના વાતાવરણમાં તમે કેવી રીતે દેખાશો એના વિશે તમારે ખૂબ કાળજી રાખવી પડશે.

લૉકડાઉનના અસરગ્રસ્ત વકીલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે : બાર કાઉન્સિલ

બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર અૅન્ડ ગોવા (બીસીએમજી)એ બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું છે કે તે કોરોના વાઇરસને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે કામના અભાવનો સામનો કરનારા અૅડવોકેટ્સને તેની કલ્યાણકારી યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડશે. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બીસીઆઇ)એ પણ શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે પણ જરૂરિયાતમંદ વકીલોને સહાય પૂરી પાડવાના હેતુથી બીસીએમજીને થોડી રકમ પૂરી પાડી છે. હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ અમિત બોરકરે લૉકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ અને ગરીબ વકીલોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બીસીએમજી અને બીસીઆઇને હુકમ આપવાની માગણી કરતી અૅડ્વોકેટ મોહમ્મદ આરિફ શેખ દાઉદ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી હાથ ધરી હતી. પિટિશનરના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે પ્રેક્ટિસ કરી રહેલા ઘણા વકીલોને ફટકો પડ્યો હતો.

mumbai mumbai news mumbai high court coronavirus covid19