મીરા રોડમાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ

30 March, 2020 12:34 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

મીરા રોડમાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ

મીરારોડમાં કોરાનાના શંકાસ્પદ દરદીને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાયો હતો.

મુંબઈ અને થાણેમાં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે, પણ આ બંને જિલ્લાને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં અત્યાર સુધી કોરોનાનો કોઈ કેસ નહોતો નોંધાયો એટલે લોકો રાહત અનુભવી રહ્યા હતા. જો કે શનિવારે મોડી રાત્રે અહીંના નયાનગર વિસ્તારમાં રહેતા એક પંચાવન વર્ષના દરદીને આ જીવલેણ વાયરસનો ચેપ લાગ્યો હોવાની શંકાને આધારે ટેસ્ટ કરાઈ હતી. 

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડના નયાનગર વિસ્તારમાં હોટેલ પૈયાડેની પાછળના ભાગમાં આવેલા કૉમ્લેક્સમાં રહેતા પંચાવન વર્ષના દરદીને અત્યારે અંધેરીમાં આવેલી કોકિલાબેન હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા છે. તેમને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની શંકાથી ટેસ્ટ કરાઈ છે, પરંતુ હજી સુધી એનો રિપોર્ટ કસ્તુરબા હૉસ્પિટલમાંથી આવ્યો નથી. આ દરદીને કૅન્સરની સાથે ડાયાબિટીઝ છે.’
મીરા-ભાઈંદરમાં કોરોનાનો આ પહેલો કેસ હોવાની શક્યતા હોવા છતાં લોકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. પાલિકા અને પ્રશાસન દ્વારા આખા વિસ્તારમાં કોરોના વાયરસ ન ફેલાય એ માટેની પૂરતી તકેદારી રખાતી હોવાનું કમિશનરે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલ સુધી મીરા-ભાઈંદરમાં બહારથી આવેલા કુલ ૫૯૦ લોકોને ક્વોરન્ટીન કરાયા હતા. આમાંથી ૨૧૬ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટીન સમય પૂરો થઈ ગયો છે. બાકીના ૩૭૪માંથી ૩૨૪ લોકોને હોમ ક્વોરન્ટીન અને ૫૦ લોકોને પાલિકાના દ્વારા ઊભા કરાયેલા ક્વોરન્ટીન સેલમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય શંકાસ્પદ એવા ૧૫ લોકોની સ્વેબ ટેસ્ટ કરાઈ હતી, જે તમામ નેગેટિવ આવી હોવાનું જણાઈ આવ્યું હતું.

mumbai mumbai news mira road coronavirus covid19