મુંબઈ : લંડનથી 329 ભારતીયોનું શહેરમાં આગમન

11 May, 2020 11:02 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : લંડનથી 329 ભારતીયોનું શહેરમાં આગમન

મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આગમન સમયે બચાવકર્તાઓને થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી

ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે લંડનથી ૩૨૯ પ્રવાસીઓનો પહેલો કાફલો મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઊતર્યો હતો. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં આમાંથી ૬૫ મુસાફરો પુણે તથા બીજા ૧૬ મુસાફરો અન્ય જિલ્લામાં જવા રવાના થયા હતા. બાકીના ૨૪૮ મુસાફરો ૧૪ દિવસ માટે મુંબઈની હોટેલોમાં રોકાશે.

બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુએ જણાવ્યું હતું કે આમાંથી એક પણ ઉતારુમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. દેશની બહાર ફસાયેલા હજારો ભારતીયો માટે ભારતે ૭ મેએ બચાવ-કામગીરી શરૂ કરીને સ્પેશ્યલ ઇવેક્યુએશન ફ્લાઇટ તેમને લઈને શનિવારે લંડનથી રવાના થઈ હતી. ફ્લાઇટમાં પુણે, અમરાવતી, અહમદનગર, અકોલા, ઔરંગાબાદ, બીડ અને ગોંદિયા જિલ્લાઓ અને ગોવાના ૮૧ પૅસેન્જર હતા, જેમને ઍરપોર્ટથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ઘરે મોકલવામાં આવ્યા હતા. બાકીના પ્રવાસીઓ મુંબઈના હતા એમ બીએમસીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ટેસ્ટિંગનું પરિણામ પૉઝિટિવ આવશે તેમને કોવિડ-19 સેન્ટરમાં મોકલવામાં આવશે. પાલિકાએ વિદેશથી આવેલા મુસાફરો માટે ટૂ, થ્રી, ફોર અને ફાઇવસ્ટાર જેવી કુલ ૮૮ હોટેલોમાં ૩૪૩૪ રૂમ બુક કરી છે.

કોરોનાના કારણે વધુ એક પોલીસ-કર્મચારીનું મોત

વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા સુનીલ દત્તાત્રેય કરગુટકર મુંબઈ પોલીસના સહાયક સબ-ઇન્સ્પેક્ટj કોવિડ-19નો ચેપ લાગતાં મૃત્યુ પામ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કોરોના વાઇરસને લીધે મુંબઈમાં આ ચોથા પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે અને કોરોના-સંક્રમિત ૭૦૦ કરતાં વધુ પોલીસનો ઇલાજ ચાલી રહ્યો છે.

કોરોના વાઇરસને લીધે મુંબઈ પોલીસ પણ ધીરે-ધીરે સંક્રમિત થઈ રહ્યા છે. એમાં ધારાવી અને વરલી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલા પોલીસોમાંના આશરે ૧૦૦ કરતાં વધુ પોલીસના કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા, જેમનો ઇલાજ મુંબઈની અલગ-અલગ હૉસ્પિટલમાં થઈ રહ્યો છે. એ સાથે મુંબઈમાં ૪ પોલીસ અધિકારીઓનાં કોરોના વાઇરસનો ચેપ લાગતાં મૃત્યુ થયાં છે. વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનના સુનીલ દત્તાત્રેય કરગુટકરના દુર્ઘટનાભર્યા અવસાન વિશેની જાણ મુંબઈ પોલીસને ટ્વિટર પર થઈ હતી. તેમને બુધવારે સિવિલ હૉસ્પિટલમાં કોવિડ-19 જેવાં લક્ષણ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે તેમનું મોત થયું હતું. તેમને ડાયાબિટીઝ પણ હતો.

ભાયખલા જેલની એક મહિલા કેદીને કોરોના

મુંબઈની આર્થર રોડ જેલની જેમ જ હવે ભાયખલામાં આવેલી મહિલાઓની જેલમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જેલની 54 વર્ષની મહિલા કેદીને કોરોના હોવાનું જણાઈ આવ્યું છે. 8 મેએ તેની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એ પછી ફરી એક વખત 9 તારીખે તેની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એ પછી તેને સારવાર માટે સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલ લઈ જવાઈ હતી એમ જેલ અધિકારીએ જણાવ્યું હતું. આ પહેલાં મુંબઈની આર્થર રોડ જેલમાં 103 જણ કોરોનાગ્રસ્ત થયા હતા જેમાં 77 કેદી સહિત 26 પોલીસ-કર્મચારીઓનો સમાવેશ હતો.

prajakta kasale mumbai mumbai news coronavirus covid19 lockdown mumbai airport