હૉસ્પિટલો-ક્લિનિકો બંધ છે ત્યારે દર્દીઓ માટે સુવિધા ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

હૉસ્પિટલો-ક્લિનિકો બંધ છે ત્યારે દર્દીઓ માટે સુવિધા ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ

‘ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ’ની ઍમ્બ્યુલન્સમાં એક દર્દીને તપાસી રહેલા ડૉક્ટર.

કોરોનાના સંકટને લીધે મુંબઈ સહિત દેશભરમાં છેલ્લા ૫૫ દિવસથી લૉકડાઉન છે ત્યારે મોટા ભાગની હૉસ્પિટલો, ક્લિનિકો બંધ હોવાથી કોરોના સિવાયની હૃદયથી માંડીને બ્રેઇન સુધીની બીમારીના દર્દીઓની મુશ્કેલી વધી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીઓને તેમના ઘરે જ ડૉક્ટરની સુવિધા મળી રહે એ માટે ડૉક્ટરોની એક સંસ્થાએ ‘ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ’ સર્વિસ શરૂ કરી છે. શનિવારથી શરૂ કરાયેલી આ સર્વિસનો અત્યાર સુધીમાં ૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

દહિસર, બોરીવલી અને કાંદિવલીના મળીને કુલ ૧૪૦૦ જેટલા ડૉક્ટર બોરીવલી મેડિકલ બ્રધરહૂડ નામની સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થાના પ્રેસિડન્ટ ડૉ. નિમેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના કારણે મોટા ભાગની હૉસ્પિટલો અને ક્લિનિકો બંધ છે. આવી સ્થિતિમાં કોરોના સિવાયની વિવિધ બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે રૂટિન ચેકઅપ કે ઇમર્જન્સી આવી પડે તો ઘરમાંથી બહાર નીકળીને હૉસ્પિટલ પહોંચવું લૉકડાનને લીધે આજે શક્ય નથી. આથી અમે તમામ સુવિધાથી સજ્જ, કોરોનાની સાવચેતી સાથેની એક ઍમ્બ્યુલન્સ તૈયાર કરી છે જેમાં એક ડૉક્ટર, અસિસ્ટન્ટ અને ડ્રાઇવરની ટીમ છે. સવારે ચાર કલાક અને બપોર બાદ ચાર કલાક એમ પૂર્વ અને પશ્ચિમના દહિસરથી કાંદિવલી સુધીના વિસ્તારમાં જે દર્દીઓની અપૉઇન્ટમેન્ટ હોય છે તેમને ત્યાં સર્વિસ આપીએ છીએ. દર્દીને તપાસીને તેમને વધારે તકલીફ હોય તો ઍડ્‌મિટ કરવાની સલાહ આપીએ છીએ.’

બોરીવલી મેડિકલ બ્રધરહૂડ (બીએમબી) સાથે સંકળાયેલા ડૉક્ટરોની ટીમ ‘ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ’ સર્વિસ માટે ફોન કરનારા દર્દી કે તેના સંબંધી પાસેથી વિગતો નોંધીને શક્ય હોય તો ફ્રીમાં ટેલિફોનિક કન્સલ્ટ કરે છે. આમ છતાં, કોઈ દર્દીને તપાસવાની જરૂર લાગે તો ટીમ તેના ઘરે પહોંચીને દર્દીની ઍમ્બ્યુલન્સમાં તપાસ કરાય છે. આના માટે ટૉકન તરીકે દાનના ભાગરૂપે ૧૦૦ રૂપિયા ચાર્જ રખાયો છે. નોંધનીય છે કે આ સર્વિસ કોરાનાના દર્દીઓ માટે નથી.

બોરીવલી-ઈસ્ટમાં દૌલતનગરમાં આવેલા પ્રેમજીનગરમાં રહેતા વિવેક શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ૭૮ વર્ષના મમ્મીને કેટલીક તકલીફ હોવાથી તેમને હૉસ્પિટલમાં ડૉક્ટરને બતાવવા લઈ જવાનાં હતાં, પરંતુ લૉકડાઉનને લીધે હૉસ્પિટલ અને ક્લિનિક બંધ છે અને ઘરમાંથી નીકળવાની મુશ્કેલી હોવાથી અમે નહોતા જઈ શકતા. ‘ડૉક્ટર ઍટ ડોરસ્ટેપ’ની માહિતી મળતાં અમે રવિવારની અપૉઇન્ટમેન્ટ લીધા પછી એક ઍમ્બ્યુલન્સ અમારે આંગણે આવી હતી. માત્ર ૧૦૦ રૂપિયા ચાર્જ દાનપેટે સ્વીકારીને આ ખૂબ સરસ સેવા ડૉક્ટરોએ શરૂ કરી છે.’

mumbai mumbai news coronavirus lockdown covid19 borivali prakash bambhrolia