બોરીવલીના યુવકનું હૉમ ક્વોરન્ટાઈનમાં મૃત્યુ, કોરોનાનો શંકાસ્પદ દર્દી

06 April, 2020 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોરીવલીના યુવકનું હૉમ ક્વોરન્ટાઈનમાં મૃત્યુ, કોરોનાનો શંકાસ્પદ દર્દી

પ્રતિકાત્મક તસવીર

બોરીવલીમાં રહેતો 29 વર્ષીય યુવક ડિસ્ક જૉકી (DJ) હતો અને દુબઈથી પરત ફર્યા બાદ તેને 14 દિવસ માટે હૉમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. દરમ્યાન શુક્રવારે તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. પરિવારનો દાવો છે કે તેનામાં કોરોના વાયરસ (COVID-19)ના લક્ષણો નહોતા છતા ડૉક્ટરોએ પાલિકા અને પોલીસને જાણ કરી કે તે કોરોનાનો શંકાસ્પદ કેસ છે. એટલે તેમણે અગ્નિસંસ્કાર કરવા માટે પરિવારને બૉડી સોપી નહોતી.

યુવક દુબઈના એક ક્લબમાં ડીજે તરીકે કામ કરતો હતો અને બોરીવલી પશ્ચિમમાં રહેતો હતો. 22 માર્ચે દુબઈથી પરત ફર્યા બાદ તેને હૉમ ક્વોરન્ટાઈન કરવામા આવ્યો હતો. ત્યારબાદ પાલિકાના અધિકારીઓએ 25 માર્ચે તેનો કોરોનાનો ટેસ્ટ કર્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

યુવકની બહેને કીધું હતું કે, એરપોર્ટ પર જ તેનુ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેને 14 દિવસ હૉમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. હૉમ ક્વોરન્ટાઈનના નિયમ પાળી રહ્યો હતો ત્યારે અચાનક 13 માં દિવસે એટલે કે ગત શૂક્રવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી અને તે બેભાન થઈ ગયો. તરત જ તેને બોરીવલી પશ્ચિમમાં આવેલી એપેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેની ટ્રાવેલ હિસ્ટ્રીની પુછપરછ કરીને ડૉક્ટરોએ પોલીસ અને પાલિકાને જાણ કરી. તેને પોસ્ટમોર્ટમ માટે ભગવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી અને કીધું કે તે કોરોના વાયરસ પોઝેટીવનો શંકાસ્પદ કેસ છે એટલે તેના મૃતદેહનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.

પરંતુ યુવકની બહેને દાવો કર્યો હતો કે, યુવકનો ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો અને અંતિમ સંસ્કારની વિધિ માટે મૃતદેહ પણ પાછો નહોતો આપ્યો. યુવકના મૃત્યુ પછી આખી સોસાયટી સેનિટાઈઝ કરવામાં આવી છે. યુવકની બહેને ભાર આપતા કહ્યું હતું કે તેને કોરોના વાયરસ નહોતો પાલિકા ખોટી અફવા ફેલાવી રહી છે.

જ્યારે પાલિકાના ડૉક્ટરે કહ્યું હતું કે અમારી પાસે આવો કોઈ કેસ આવ્યો જ નથી. પણ ભગવતી હૉસ્પિટલના ડૉક્ટરે કીધું હતું કે, આવા કેસમાં અમે પોસ્ટમોર્ટમ કરીને કોઈ રીસ્ક નથી લેતા.

આર-સેન્ટ્રલ વોર્ડના પાલિકાના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, યુવકનું મૃત્યુ કોરોનાને લીધે થયું હોવાની શંકા હોય તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવતું. તેમજ દર ત્રણ દિવસે પાલિકાના અધિકારીઓ તેની તબિયતના અપડેટ લેતા હતા છતા તેનું મૃત્યુ કઈ રીતે થયું તે આશ્ચર્યજનક બાબત છે.

coronavirus covid19 mumbai mumbai news borivali dubai