મુંબઈ: કોરોનાના કેસ વધતાં આજથી મલાડમાં ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ

27 June, 2020 08:04 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: કોરોનાના કેસ વધતાં આજથી મલાડમાં ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ

કોરોના વાઈરસ મિશન

શહેરના પી-નૉર્થ વૉર્ડ (મલાડ)માં કોવિડ-19નો રોગચાળો ઝૂંપડપટ્ટીમાંથી રહેણાક ઇમારતોમાં વ્યાપી રહ્યો છે ત્યારે બીએમસીએ ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આજથી વૉર્ડ-અધિકારીઓ એનજીઓની મદદથી રહેવાસીઓમાં કોરોના વાઇરસનાં લક્ષણોની તપાસ કરશે.

પી-નૉર્થ વૉર્ડના રહેણાક વિસ્તારોમાં સંક્રમણમાં વધારો થયા બાદ બીએમસીએ ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ વૉર્ડમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૦૦ જેટલા કેસ નોંધાયા છે. સ્ટાફની અછતને વૉર્ડના અધિકારીઓએ આ કાર્ય માટે નિરામય હેલ્થ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે.

સ્વયંસેવકોની ૧૦ ટીમ શનિવારે કોવિડ-19 માટે સ્ક્રીનિંગ હાથ ધરશે અને એ દરમ્યાન ૩૦-૪૦ રહેણાક ઇમારતોને આવરી લેવાનું બીએમસીનું લક્ષ્ય છે.

વહીવટી વૉર્ડ્સમાં પી-નૉર્થ વૉર્ડ કેસની દૃષ્ટિએ ચોથા ક્રમે છે. અત્યારે ૨૫૦૦ જેટલા દરદીઓ સારવાર હેઠળ છે. એનો સરેરાશ વૃદ્ધિદર ૨.૮ ટકા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વૉર્ડના મોટા ભાગના કેસ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી આવી રહ્યા હતા, પણ હવે રહેણાક ઇમારતોમાં વધુ કોરોના-સંક્રમણ નોંધાઈ રહ્યું છે.

પી-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે ‘અમે સૌપ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયા હોય એવી ઇમારતોમાં કાર્યવાહી હાથ ધરીશું. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કેસની સંખ્યા ઘટી રહી છે, જ્યારે રહેણાક ઇમારતોમાં એ વધી રહી છે. સ્ક્રીનિંગની પ્રક્રિયા ઝૂંપડપટ્ટીઓમાં અસરકારક રહી હોવાથી અમે એ પ્રક્રિયા રહેણાક ઇમારતોમાં પણ હાથ ધરવાનું નક્કી કર્યું છે જેથી ઇન્ફેક્શનનો વ્યાપ અટકાવી શકાય.’

નિરામય હેલ્થ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કો-ઑર્ડિનેટર વિકાસ દેશમુખે જણાવ્યા મુજબ સ્વયંસેવકોએ અગાઉ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં સ્ક્રીનિંગ કૅમ્પમાં મદદ કરી હતી, પરંતુ રહેણાક ઇમારતોમાં કામ કરવાનો આ તેમનો પ્રથમ અનુભવ હશે.

પી-નૉર્થ વૉર્ડમાં કોવિડ-19ના કેસનો સરેરાશ વૃદ્ધિદર 2.8 ટકા છે

arita sarkar mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19 lockdown malad