મુંબઈ સેન્ટ્રલની નવજીવન સોસાયટીમાં હાહાકાર 10 દિવસમાં 40 કોરોનાના કેસ

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ સેન્ટ્રલની નવજીવન સોસાયટીમાં હાહાકાર 10 દિવસમાં 40 કોરોનાના કેસ

નવજીવન સોસાયટી

ગુજરાતી-મારવાડી વેપારીઓની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નવજીવન સોસાયટીમાં છેલ્લા બે દિવસમાં ૧૦ અને અઠવાડિયામાં ૪૦થી વધારે કોરોનાના કેસ આવતાં ગઈ કાલે પાલિકા પ્રશાસને આ સોસાયટીને સીલ કરી દીધી છે. આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ૧૭ રેસિડેન્શિયલ અને એક કમર્શિયલ બિલ્ડિંગવાળી આ સોસાયટીમાં રહેતા ૭૫૦ પરિવાર બંધનમાં આવી ગયા છે. એક અંદાજ મુજબ આ સોસાયટીમાં અત્યાર સુધી કોરોનાના ૬૦ કેસ આવવાની સાથે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ઉપરાઉપરી અનેક કેસ સામે આવતાં અહીંનાં ૧૭ બિલ્ડિંગમાંથી ૧૦ને પહેલેથી સંપૂર્ણપણે સીલ કરાયાં હતાં, પરંતુ સીલ કરાયા બાદ પણ કેસમાં સતત વધારો થવાથી પાલિકાએ ગઈ કાલે સોસાયટીનો મેઇન ગેટ બંધ કરી દીધો છે.

પચાસેક વર્ષ પહેલાં બાંધવામાં આવેલી મુંબઈ સેન્ટ્રલ-ઈસ્ટમાં આવેલી નવજીવન સોસાયટીમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે પાલિકા પ્રશાસન, આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓનાં ધાડાં ઊતરી આવ્યાં હતાં. તેમણે સોસાયટીની મૅનેજિંગ કમિટીના સભ્યોને તમામ ઉપાયો બાદ પણ સોસાયટીના એક પછી એક પરિવાર કોરોનાની ચપેટમાં આવી રહ્યા હોવાથી હવે આખી સોસાયટીને સીલ કરવા સિવાય કોઈ ઉપાય ન હોવાનું જણાવીને મેઇન ગેટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

નવજીવન સોસાયટીના ચૅરમૅન પ્રશાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીમાં બે દિવસ પહેલાં કોરોનાના ચાર અને ગઈ કાલે પાંચ કેસ આવ્યા હતા. આવી રીતે અત્યાર સુધી ૬૦થી વધારે લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. એમાં પણ ૧૦ દિવસમાં ૪૦થી વધારે નવા કેસ આવ્યા હોવાનું અમને પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે. તમામ ઉપાય બાદ પણ કોરોના કાબૂમાં ન આવી રહ્યો હોવાથી પાલિકાએ અમારી સોસાયટીના લોકોની સુરક્ષા માટે એને ૧૪ દિવસ સુધી સીલ કરવાનો નિર્ણય લીધો છે. આનાથી માંડ-માંડ કામકાજ શરૂ થયું છે ત્યારે મુશ્કેલી થશે, પરંતુ સીલ કરવા સિવાયનો કોઈ વિકલ્પ નથી એટલે નિયમનું પાલન કર્યે જ છૂટકો.’

નવજીવન સોસાયટી મુંબઈ મહાનગરપાલિકાના ડી-વૉર્ડમાં આવે છે. આ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવજીવન સોસાયટીના અનેક પરિવારો કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. અત્યાર સુધી અહીંનાં ૧૭માંથી ૧૦ બિલ્ડિંગોને વારાફરતી સીલ કરાયાં હતાં. આમ છતાં જીવલેણ વાઇરસને ફેલાતો રોકવામાં સફળતા નહોતી મળતી એટલે અમારે ૧૪ દિવસ સુધી આખી સોસાયટીને સીલ કરવી પડી છે. જીવનજરૂરી વસ્તુઓ સોસાયટીને ઉપલબ્ધ થાય એ માટેની વ્યવસ્થા અમે કરી આપી છે. લોકો કામકાજ માટે બહાર જતા હોવાથી તેઓ સંક્રમિત થઈ રહ્યા છે. બીજું, રહેવાસીઓ પણ જરૂરી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા હોવાનું જણાઈ આવતાં તેમની સલામતી માટે તેમના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો છે.’

તમામ ઉપાય બાદ પણ કોરોના કાબૂમાં આવી રહ્યો ન હોવાથી બીએમસીએ અમારી સોસાયટીના લોકોની સુરક્ષા માટે એને ૧૪ દિવસ સુધી સીલ કરવાનો નિર્ણય લીધો છે.
- પ્રશાંત શાહ, નવજીવન સોસાયટીના ચૅરમૅન

coronavirus covid19 lockdown mumbai central brihanmumbai municipal corporation mumbai news prakash bambhrolia