મુંબઈ: કોરોનાનો દર્દી મુંબઈથી ભિવંડી પહોંચી ગયો

27 April, 2020 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ: કોરોનાનો દર્દી મુંબઈથી ભિવંડી પહોંચી ગયો

ફાઈલ ફોટો

ભિવંડીમાં આવેલી ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલની બહાર ગઈ કાલે કોરોના સંક્રમિત એક દર્દી ફરતો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પાલિકાના કર્મચારીઓની હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓના ધ્યાનમાં આવતાં તેમણે હૉસ્પિટલના ડૉક્ટરોને આ બાબતની જાણ કરી હતી. ત્યાર બાદ આ દર્દીને ફરીથી હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયો હતો. આઘાતજનક વાત એ છે કે આ દર્દીને મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાંથી તે પ્રશાસનની જાણ વિના અહીં સુધી પહોંચી ગયો હતો.

હૉસ્પિટલ તંત્રે આપેલી માહિતી મુજબ કોરોનાનો દર્દી નાયર હૉસ્પિટલમાંથી ઍમ્બ્યુલન્સમાં થાણે પહોંચ્યો હતો. ત્યાંથી એક ટ્રકમાં બેસીને તે થાણે-ભિવંડી બાયપાસ રોડ પરના રાજનોલી નાકા ઊતર્યો હતો. અહીંથી તે પગપાળા ચાલીને ઇન્દિરા ગાંધી હૉસ્પિટલ પહોંચ્યો હતો. સવાલ એ છે કે કોરોનાના દર્દીઓનું તમામ સ્તરે વિશેષ ધ્યાન અપાઈ રહ્યું હોવાનો દાવો સરકાર કરી રહી છે ત્યારે તે કોઈની પણ જાણ વિના ત્યાં કેવી રીતે પહોંચ્યો?

મળેલી વિગત મુજબ ભિવંડીમાં ૨૨ એપ્રિલે સવારે ૫૧ વર્ષના કિડનીના દર્દીને પ્રાઇવેટ લૅબના રિપોર્ટમાં કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયું હતું. તેને પાલિકાના આરોગ્ય વિભાગે ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. જોકે ત્યાં ડાયાલિસિસની સુવિધા ન હોવાથી તેને મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. એ સમયે દર્દી સાથે ભાણેજ પણ હોવાથી તેને નાયર હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવી હતી.

જોકે બીજા દિવસે આ દર્દી નાયર હૉસ્પિટલમાંથી આરોગ્ય વિભાગની જાણ બહાર નીકળીને ભિવંડી પહોંચી ગયો હતો. તે હૉસ્પિટલની આસપાસ ફરતો જોવા મળ્યો ત્યારે લોકોએ તેને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હું કોરોનાનો પૉઝિટિવ દર્દી છું.’ આટલું સાંભળીને લોકોએ તેને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાવ્યો હતો. એ દરમ્યાન તે અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

કોરોના સંક્રમિત દર્દી નાયર હૉસ્પિટલમાંથી કેવી રીતે બહાર નીકળ્યો, તેની પાસે ટ્રાન્સફર-લેટર નહોતો તો સિક્યૉરિટી ગાર્ડે તેને કેમ અટકાવ્યો નહીં, તેને ઍમ્બ્યુલન્સ કોણે પૂરી પાડી અને ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે દર્દીને થાણેમાં રસ્તા વચ્ચે શા માટે ઉતારી દીધો જેવા સવાલ ઊભા થયા છે.

આ મામલામાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલના ડીન ડૉ. અનિલ થોરાતે અહીંના શાંતિનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તપાસ કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

mumbai bhiwandi mumbai news coronavirus nair hospital covid19