ડેથ-સર્ટિફિકેટમાં મરણનું કારણ કોરોનાને બદલે હાર્ટ-અટૅક લખી આપ્યું

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Samiullah Khan

ડેથ-સર્ટિફિકેટમાં મરણનું કારણ કોરોનાને બદલે હાર્ટ-અટૅક લખી આપ્યું

ડૉ. આસિફ ખાન (ડાબે) અને ડેથ-સર્ટિફિકેટ બનાવાયું ત્યારે હાજર હૉસ્પિટલનો કર્મચારી વિડિયો-ક્લિપમાં જોવા મળે છે.

કુર્લામાં કોરોના-ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના કુટુંબીજનોએ અંતિમ સંસ્કાર જાતે કરવાના હઠાગ્રહ સાથે મૃત્યુનું કારણ બદલવાની કરેલી માગણી ડૉક્ટરે પૂરી કરી હતી. જોકે ડૉક્ટરે ડેથ-સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના-ઇન્ફેક્શનને બદલે હાર્ટ-અટૅક લખવા માટે ૨૦,૦૦૦ રૂપિયાની લાંચ લીધી હતી.

કુર્લા-વેસ્ટના જરીમરીમાં રહેતો ૪૫ વર્ષનો રિક્ષા-ડ્રાઇવર એકાદ અઠવાડિયા પહેલાં બીમાર પડ્યો હતો. એને પહેલાં સાકીનાકાના ડિસોઝાનગરની ડૉ. એ. સી. તિવારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એ રિક્ષા-ડ્રાઇવરનો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. થોડા વખતમાં રિક્ષા-ડ્રાઇવરની તબિયત કથળતાં તેને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી હતી એથી હૉસ્પિટલના અધિકારીઓએ તેને બીજી હૉસ્પિટલમાં લઈ જવાનું તેના કુટુંબીજનોને કહ્યું હતું એથી તેઓ તેને ૩૦ મેએ કુર્લાના એલ. બી. એસ. માર્ગ પરની નૂર હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

જરીમરીના રહેવાસી સામાજિક કાર્યકર અને રિક્ષા-ડ્રાઇવરના પરિવારના પરિચિત મિત્ર મહેંદી હસને જણાવ્યું હતું કે ‘સોમવારે બીજા કોરોના-ટેસ્ટનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. એ બાબત નૂર હૉસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર આસિફ ખાનને જણાવાઈ ત્યારે તેમણે રોજના ૪૦,૦૦૦ રૂપિયા ચાર્જ સાથે દરદીની સારવાર કરવાની તૈયારી દર્શાવી હતી. એ પહેલાં ૭૦,૦૦૦ રૂપિયા ડિપોઝિટ ભરવાનું કહ્યું હતું, પરંતુ એ રિક્ષા-ડ્રાઇવર ગુરુવારે કોરોના-ઇન્ફેક્શનથી મૃત્યુ પામ્યો હતો.’
એ ઘટનાક્રમ વેળા મૃતકના પરિવાર સાથે ઉપસ્થિત મહેંદી હસને જણાવ્યું હતું કે ‘ડેડબૉડી ઇન્ફેક્ટેડ હોવા છતાં કુટુંબીજનો તેના મૃતદેહને સાથે લઈ જવા ઇચ્છતા હતા. બીજી બાજુ ડૉ. ખાન પણ સૅનિટાઇઝિંગ માટે હૉસ્પિટલ બંધ રાખવાની શક્યતા ટાળવા ઇચ્છતા હતા એથી તેમણે દરદી કોવિડ-19 ઇન્ફેક્શનને લીધે નહીં, પણ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યો હોવાનું ડેથ-સર્ટિફિકેટમાં લખ્યું હતું. તેમણે એ વાત કોઈને નહીં કહેવા અને ઘરે રહેવા તથા સ્વચ્છતા જાળવવા અને પોષક ખોરાક ખાવાની સૂચના આપી હતી. મારા એક મિત્રે એ બધું મોબાઇલ ફોનના કૅમેરામાં રેકૉર્ડ કર્યું હતું. ડૉ. આસિફે ડેથ-સર્ટિફિકેટમાં મૃત્યુના કારણમાં હાર્ટ-અટૅક લખ્યું અને તેમની સૂચના પ્રમાણે કુટુંબીજનના મૃતદેહને સીધા જરીમરીના કબ્રસ્તાનમાં લઈ ગયા હતા. ત્યાં મૃતકની અંતિમક્રિયા પણ પતાવવામાં આવી હતી.’ મહેંદી હસને જણાવ્યું હતું કે ‘એ ઘટનાઓનો વિડિયો ઉતારવામાં આવ્યો હોવાનું અને એ બાબતે પ્રસાર માધ્યમોમાં અહેવાલ પ્રકાશિત થઈ રહ્યા હોવાનું જાણ્યા પછી હૉસ્પિટલના અધિકારીઓએ કુટુંબીજનોને ધમકી આપવા માંડી હતી. હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ-કેસ થશે તો મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવશે. કુટુંબીજનો ડરી ગયા છે. હું ધમકી આપવા બદલ હૉસ્પિટલ વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશ.’ આ બાબતે ન્યુ નૂર હૉસ્પિટલના ડૉ. સાજિદ ખાને જણાવ્યું હતું કે હું આ વિષયમાં કોઈ કમેન્ટ કરવા ઇચ્છતો નથી. જો કોઈ સત્તાવાળાઓ આવશે તો તેમને જવાબ આપીશ.’

coronavirus kurla lbs marg mumbai mumbai news samiullah khan