ભાંડુપ, પવઈના એસ વૉર્ડમાં લોકોને ફરજિયાત ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલાય છે

03 August, 2020 08:17 AM IST  |  Mumbai | Mumbai correspondent

ભાંડુપ, પવઈના એસ વૉર્ડમાં લોકોને ફરજિયાત ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલાય છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના ૧ ઑગસ્ટ સુધીમાં ૧,૧૫,૩૪૬ મામલા સામે આવ્યા છે. શહેરના ૨૪ વૉર્ડમાં દરરોજ સરેરાશ ૧૦૦૦ કેસ આવે છે. કોવિડ પેશન્ટને તો હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરી દેવાય છે, પરંતુ તેના પરિવારજનો કે સંપર્કમાં આવનારાઓને આઇસોલેશનમાં રાખવા પડે છે. આ માટે પાલિકા-પ્રશાસને શહેરભરમાં ઊભી કરેલી વ્યવસ્થા ઓછી પડી રહી હોવાથી મોટા ભાગના વૉર્ડમાં આવા લોકોને હોમ ક્વૉરન્ટીનમાં રખાય છે. જોકે ભાંડુપ, કાંજુર માર્ગ, વિક્રોલી, નાહૂર અને પવઈ વિસ્તારના સમાવેશવાળા ‘એસ’ વૉર્ડમાં કોરોનાના શંકાસ્પદ કે કોવિડ પેશન્ટના સંપર્કમાં આવનારાઓને હોમ ક્વૉરન્ટીન કરવાને બદલે ક્વૉરન્ટીન સેન્ટરમાં શિફ્ટ કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં આવી સ્ટ્રૅટેજી કરનારો આ એકમાત્ર વૉર્ડ છે.

‘એસ’ વૉર્ડમાં ૧ ઑગસ્ટ સુધીમાં કોવિડના કુલ ૬૪૫૮ કેસ નોંધાયા હતા, જેમાંથી ૫૧૮૭ પેશન્ટ રિકવર થયા હતા, જ્યારે ૪૦૯ લોકોનું આ બીમારીથી મૃત્યુ થવાની સાથે અત્યારે ૮૬૨ દરદી વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. શરૂઆતના સમયમાં ‘એસ’ વૉર્ડમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા હતા, પરંતુ છેલ્લા એક મહિનામાં કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જોકે અંદાજે સાડાસાત લાખની વસ્તી ધરાવતા આ વૉર્ડમાં છેલ્લા સાત દિવસમાં અહીં કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો થવાથી દરરોજ સરેરાશ ૩૨થી ૫૪ જેટલા કેસ સામે આવી રહ્યા છે.

‘એસ’ વૉર્ડમાં કોવિડ પેશન્ટના પરિવારજનો કે સંપર્કમાં આવનારાઓને હોમ ક્વૉરન્ટીન કરવાને બદલે સીધા ક્વૉરન્ટીન સેન્ટરમાં લઈ જવાતા હોવાની માહિતી મળ્યા બાદ અહીં આવી સ્ટ્રૅટેજી શા માટે અપનાવાઈ છે એ વિશે મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસ‘ વૉર્ડમાં મોટા પ્રમાણમાં સ્લમની સાથે નાનાં અને મધ્યમ મકાનો આવેલાં છે. અહીં કોવિડનો કોઈ કેસ આવે તો એને આઇસોલેશનમાં રાખવા જગ્યા ઓછી પડે છે. આથી જો તેને ઘરમાં જ આઇસોલેટ કરાય તો પરિવારજનોને વાઇરસનું સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ કોવિડના શંકાસ્પદ અને સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન સેન્ટરમાં શિફ્ટ કરાય છે. વૉર્ડમાં ૧૫,૦૦૦ લોકોનો સમાવેશ થઈ શકે એટલી વ્યવસ્થા કરાઈ છે. આ નિર્ણયથી નવા કેસમાં ઘટાડો થયો છે અને પરિવારો સલામત બન્યા છે.’

‘એસ’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંતોષ દોંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વૉર્ડમાં પવઈ જેવો હાઈ પ્રોફાઇલ વિસ્તાર પણ આવેલો છે. અહીં લોકોનાં ઘર મોટાં હોય છે એટલે અમને લાગે કે કોવિડનો શંકાસ્પદ દરદી તેના ઘરમાં જ પ્રૉપર આઇસોલેશનમાં રહી શકશે તો અમે તેને ઘરમાં જ રહેવાની મંજૂરી આપીએ છીએ. ભાંડુપ, કાંજુર માર્ગ, વિક્રોલી અને નાહૂરમાં મોટા ભાગનાં મકાનો નાનાં હોવાની સાથે સ્લમ વિસ્તાર હોવાથી અહીંના દરદીને હોમ ક્વૉરન્ટીન કરવાનું અશક્ય છે. આથી તેમને અમે ક્વૉરન્ટીન સેન્ટરમાં જ શિફ્ટ કરીએ છીએ.’

પેશન્ટને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવાની સ્ટ્રૅટેજીથી ‘એસ’ વૉર્ડમાં કોવિડના પેશન્ટની સંખ્યા વધારે હોવા છતાં અહીં રિકવરી રેટ ૮૦ ટકા છે. આ વૉર્ડના એક જુનિયર આરોગ્ય અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં ‘એસ’ વૉર્ડમાં મોટી સંખ્યામાં કોવિડના કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરના બીજા વૉર્ડની જેમ જ અમે શંકાસ્પદોને હોમ ક્વૉરન્ટીન કર્યા હતા. જોકે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે આપણી પાસે લોકોને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવા માટે ભરપૂર જગ્યા ઉપલબ્ધ છે એટલે અમે બધાને ફરજિયાત આવા સેન્ટરમાં શિફ્ટ કરવાની શરૂઆત કરી હતી. આનાથી કેસ ઘટવાની સાથે મોટી સંખ્યામાં પરિવારો સંક્રમિત થવાથી બચી ગયા છે.’

નવા કેસમાં ઘટાડો થયો

‘એસ’ વૉર્ડમાં શરૂઆતના સમયમાં દરરોજ સરેરાશ ૧૦૦ નવા કેસ નોંધાતા હતા, પરંતુ શંકાસ્પદોને ફરજિયાત ક્વૉરન્ટીન સેન્ટરમાં શિફ્ટ કરવાની શરૂઆત કર્યા બાદથી નવા કેસમાં ૫૦થી ૭૫ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગયા અઠવાડિયે ૨૬ જુલાઈથી ૧ ઑગસ્ટ દરમ્યાન અનુક્રમે ૪૨, ૩૪, ૩૨, ૨૮, ૫૦, ૫૪ અને ૫૪ કેસ નોંધાયા હતા. શહેરભરમાં ૭૮ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે ત્યારે ‘એસ’ વૉર્ડમાં ૧૦૪ દિવસે કેસ બમણા થઈ રહ્યા છે.

powai bhandup kanjurmarg coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation