જનતા કર્ફ્યુને લીધે 3500થી વધુ ટ્રેનો રદ : આ ટ્રેનોનો સમાવેશ

21 March, 2020 07:45 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જનતા કર્ફ્યુને લીધે 3500થી વધુ ટ્રેનો રદ : આ ટ્રેનોનો સમાવેશ

એક્સપ્રેસ ટ્રેન

કોરોના વાઇરસને કારણે રવિવારે ૨૨ માર્ચે સવારે ૭થી રાતે ૯ વાગ્યા સુધી આખા દેશમાં જાહેર કરવામાં આવેલા જનતા-કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ૩૫૦૦થી વધુ ટ્રેનો રદ કરવાનો નિર્ણય રેલવે બોર્ડે લીધો છે. પશ્ચિમ રેલવે દ્વારા લાંબા અંતરની ૧૨ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પશ્ચિમ રેલવેની અમુક લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવશે.

સેન્ટ્રલ રેલવે દ્વારા રવિવારે કઈ ટ્રેનો રદ કરવી કે કેટલી લોકલ ટ્રેનો રદ કરવી એ વિશેનો નિર્ણય આજે લેવામાં આવશે એવું રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. દરમ્યાન ૩૫૦૦થી વધુ ટ્રેનો રદ કરવાનો નિર્ણય રેલવે બોર્ડે લીધો છે. આમાં લોકલ ટ્રેનો, પૅસેન્જર, મેલ, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી વગેરેનો સમાવેશ છે.

પશ્ચિમ રેલવે રદ કરેલી લાંબા અંતરની ટ્રેનોમાં ૨૦થી ૩૧ માર્ચ દરમ્યાન મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરૉન્તો (12267) અને ૨૧ માર્ચથી ૧ એપ્રિલ દરમ્યાન રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરૉન્તો એક્સપ્રેસ (12268), ૨૧થી ૨૩ માર્ચ દરમ્યાન અમદાવાદ-બાંદરા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ (22928/27), ૨૧થી ૨૩ માર્ચ દરમ્યાન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ (12932/31), ૨૧થી ૨૩ માર્ચ દરમ્યાન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ (22954/53), ૨૨ માર્ચે વલસાડ-મુંબઈ સેન્ટ્રલ ફાસ્ટ પૅસેન્જર (59024) અને એવી જ રીતે મુંબઈ સેન્ટ્રલ-વલસાડ એક્સપ્રેસ (59023)નો સમાવેશ છે. ૨૧ માર્ચે છૂટનારી ટ્રેન નંબર 59440 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ પૅસેન્જર વલસાડ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને ૨૨ માર્ચે વલસાડથી પાછી ફરશે અને ૨૨ માર્ચે છૂટનારી ટ્રેન નંબર 59439 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પૅસેન્જર મુંબઈ સેન્ટ્રલ અને વલસાડ વચ્ચે રદ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવે ૨૨ માર્ચે જે લોકલ ટ્રેનો રદ કરી છે એમાં ૧૧.૫૫ અને ૧૫.૪૫ વાગ્યે વિરારથી દહાણુ અને ૧૫.૩૩ વાગ્યાની દહાણુ-દાદર તથા ૧૯.૦૦ વાગ્યાની દહાણુ-ચર્ચગેટ ટ્રેન રદ કરી છે.

આ પણ વાંચો: મુંબઈ: ટોટલ શટડાઉનની તૈયારી વચ્ચે શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ?

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે આઇઆરસીટીસી દ્વારા ૨૨ માર્ચે રેલવે-વિસ્તારોમાં તમામ ફૂડ-પ્લાઝા, રિફ્રેશમેન્ટ-રૂમ, જન આહાર અને સેલ કિચન બંધ કરવામાં આવ્યાં છે. કેટરિંગની સુવિધા જે વિવિધ ટ્રેનોમાં પૂરી પાડવામાં આવી રહી છે એને અગાઉથી કરવામાં આવેલા પેમેન્ટના આધારે ‍ઑપરેટ કરવામાં આવશે. વિભિન્ન મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ઑન બોર્ડ ખાણીપીણીની સેવાઓ તથા ટ્રેન સાઇડ વેડિંગ (ટીએસવી) હવે પછીના આદેશ સુધી સ્થગિત રહેશે. અગર જો ખાસ માગણી કરવામાં આવી હશે તો સ્ટાફ દ્વારા ચા કે કૉફી જેવા આવશ્યક પદાર્થોનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.

mumbai mumbai news mumbai trains western railway indian railways central railway