કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો

21 April, 2020 09:14 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સંકટમાં ફ્રન્ટલાઇન કામ કરી રહેલા ડૉક્ટરો અને પોલીસ બાદ આ જીવલેણ બીમારીના પળેપળના સમાચાર લોકો સુધી પહોંચાડતા પત્રકારોને પણ કોરોનાનું મોટા પાયે સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના ૫૩ પત્રકારોને આ વાઇરસે સપાટામાં લીધા છે.

ગયા અઠવાડિયે પત્રકાર સંઘ દ્વારા મુંબઈના રિપોર્ટરો અને કૅમેરામેનની કોરોના-ટેસ્ટ કરવા માટે કૅમ્પનું આયોજન કરાયું હતું. ૧૬૮ પત્રકારોનાં સૅમ્પલ લેવાયાં હતાં. તેમના રવિવારે આવેલા રિપોર્ટમાં ૧૬૮માંથી ૫૩ પત્રકારોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયું હતું. મોટા ભાગના પત્રકારો ઇલેક્ટ્રૉનિક મીડિયાના હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અમેય ઘોલેએ આપેલી માહિતી મુજબ જે ૫૩ પત્રકારોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે તેમને તાત્કાલિક ધોરણે ક્વૉરન્ટીન કરવામાં આવશે.

ટીવી જર્નલિસ્ટ અસોસિએશનના અધ્યક્ષ વિનોદ જગદાળેએ આપેલી માહિતી મુજબ ૩૦થી વધુ પત્રકારોને કોરોનાનું સંક્રમણ થયું છે. અસોસિએશન અને મંત્રાલયના પત્રકાર સંઘની વિનંતીથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની કોરોના-ટેસ્ટ કરવા માટે વિશેષ કૅમ્પનું આયોજન કર્યું હતું.

ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે કે જે પત્રકારોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે તેમને કોરોનાનાં કોઈ લક્ષણ નહોતાં દેખાયાં અને હજી કેટલાક પત્રકારોનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી આ સંખ્યા વધવાની શક્યતા છે.

ઇલેક્ટ્રૉનિક મીડિયામાં ન્યુઝ મેળવવા માટે પત્રકારોએ તેમની ટીમ સાથે હૉસ્પિટલથી લઈને જે વિસ્તારમાં કોરોનાના વધારે દરદીઓ હોય એવા સ્થળે પહોંચીને રિપોર્ટિંગ કરવા જવું પડે છે. તેઓ માસ્ક પહેરવાથી માંડીને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવા જેવી સાવધાની રાખતા હોવા છતાં તેમને સંક્રમણ થવાનું જોખમ રહે છે જે તેમની ટેસ્ટના રિપોર્ટ પરથી જણાઈ આવે છે.

mumbai mumbai news coronavirus covid19