જસલોક હૉસ્પિટલમાં પાંચ ડૉક્ટરો, 31 નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

19 April, 2020 08:57 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

જસલોક હૉસ્પિટલમાં પાંચ ડૉક્ટરો, 31 નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ

જસલોક હૉસ્પિટલ

મુંબઈના વૈભવી વિસ્તાર પેડર રોડસ્થિત જસલોક હૉસ્પિટલના પાંચ ડૉક્ટરો અને ૩૧ નર્સનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ મળ્યો છે. ૩૧ નર્સને હૉસ્પિટલની બેલાર્ડ પિયર સ્થિત હોસ્ટેલમાં ક્વૉરન્ટીન કરવામાં આવી છે. ૩૧ નર્સના ટેસ્ટ-રિપોર્ટ્સ પૉઝિટિવ મળ્યા છતાં એમના શરીરમાં કોરોના ઇન્ફેક્શનનાં લક્ષણો જણાતાં નથી. એમના આરોગ્યની નિગરાણી રાખવામાં આવે છે. પાંચ ઇન્ફેક્ટેડ ડૉક્ટરોમાં રજિસ્ટ્રાર ઑફ મેડિસિન, રજિસ્ટ્રાર ઑફ પલ્મોનૉલૉજી, સિનિયર અનેસ્થેટિસ્ટ, જુનિયર અનેસ્થેટિસ્ટ અને જુનિયર રેડિયોલૉજિસ્ટનો સમાવેશ છે.

જસલોક હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના આરંભમાં હૉસ્પિટલમાં એક કેસનો રિપોર્ટ પૉઝિટિવ મળ્યો ત્યારે ૧૦૦ કરતાં વધારે નર્સને ક્વૉરન્ટીન માટે હોસ્ટેલમાં રાખવામાં આવી હતી. મોટાભાગના સ્ટાફનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ મળ્યો હતો. એ સંજોગોમાં નર્સિંગ સ્ટાફ ક્વૉરન્ટીનમાં હોવાથી હાલમાં હૉસ્પિટલનું કામકાજ ટાંચા સ્ટાફ સાથે ચાલતું હતું. સ્ટાફ ઓછો હોવાથી દરેક નર્સના ડ્યુટી અવર્સ લગભગ બમણા થઈ જતા હતા. મૅનેજમેન્ટ એ સ્ટાફર્સને ૨૦ એપ્રિલ, સોમવારથી પાછા બોલાવવા ઇચ્છતા હોવાથી નિયમ મુજબ એમનો બીજો ટેસ્ટ-રિપોર્ટ આવશ્યક હતો. એથી એ બીજા ટેસ્ટના રિપોર્ટ્સ ગયા શુક્રવારે મળ્યા હતા.

હૉસ્પિટલના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ૭૨ વર્ષના એક દરદીની શ્વાસની બીમારી માટે સારવાર કરવામાં આવતી હતી. એમને પછીથી બારમા માળે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં એમનું મૃત્યુ થયું હતું. એમનો કોવિડ-19 ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ મળતાં એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં હાલમાં ચાર બેડનો સ્પેશ્યલ કોવિડ-19 વૉર્ડ અને બારમા માળે આઠ બેડનો આઇસીયુ છે. આઇસીયુમાં ત્રણ વેન્ટિલેટર્સ છે. કોવિડ-19 વૉર્ડમાં બેડની તંગીને કારણે એક રેડિયોલૉજિસ્ટ ઉપરાંત હૉસ્પિટલના અન્ય એક ડૉક્ટર તથા એક અનેસ્થેટિસ્ટને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આઇસીયુમાં સારવાર લેતા સાત દરદીઓ અને વૉર્ડમાં સારવાર લેતા ચાર દરદીઓની તબિયતમાં સુધારો થતો જાય છે.

નર્સને એમના ટેસ્ટ રિપોર્ટ્સ પ્રાપ્ત થયા નથી. રિપોર્ટ્સ નહીં આપવાના વલણથી બધી નર્સ રોષ વ્યક્ત કરે છે. મોટા ભાગની નર્સ કેરળની વતની અને જસલોક કૉલેજ ઑફ નર્સિંગની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ છે.

mumbai mumbai news jaslok hospital coronavirus covid19 vinod kumar menon