કોરોના વાઈરસ ઈમ્પેક્ટ: 291 કૉન્સ્ટેબલ્સ કોરોનાને પરાભવ આપીને સાજા થયા

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના વાઈરસ ઈમ્પેક્ટ: 291 કૉન્સ્ટેબલ્સ કોરોનાને પરાભવ આપીને સાજા થયા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાના સૌથી વધારે કેસ છે ત્યારે ડૉક્ટરની સાથે પોલીસ પણ ફ્રન્ટલાઇન પર કામ કરી રહ્યા હોવાથી મોટા પ્રમાણમાં તેમને કોરોનાનું સંક્રમણ થવાથી ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે પોલીસ વિભાગ માટે રાહતના સમાચાર છે. રાજ્યના ૧૨૭૫ પોલીસમાંથી ગઈ કાલે ૨૯૧ પોલીસ કોરાનામુક્ત થયા છે, જેમાં મોટા ભાગના પોલીસ મુંબઈના હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના તબીબી વિભાગના એક અધિકારીએ જણાવ્યા મુજબ પોલીસ વિભાગના ૩૪ અધિકારી અને ૨૫૭ કર્મચારી સાથે કુલ ૨૯૧ પોલીસ કોરોનાની લડતમાંથી સફળતાપૂર્વક બહાર નીકળીને ઘરે ગયા છે. તબીબી સારવાર અને આત્મવિશ્વાસની તાકાતથી આ પોલીસ કોરોનાના સંકટમાંથી બહાર નીકળી શક્યા છે.

છેલ્લા બે કરતાં વધારે મહિનાથી મુંબઈ સહિત રાજ્યભરની પોલીસ દિવસ-રાત કોરોનાના સંકટ વચ્ચે લૉકડાઉનનું પાલન કરાવવાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે કોઈક રીતે તેઓ કોરોનાના દરદીઓના સંપર્કમાં આવી જવાથી ૧૨૭૫ પોલીસને આ જીવલેણ વાઇરસનું સંક્રમણ થતાં તેમની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

૧૩૧ અધિકારી અને ૧૧૪૨ પોલીસ-કર્મચારીમાંથી ગઈ કાલે ૨૯૧ પોલીસને ડિસ્ચાર્જ અપાયા બાદ બાકીના ૯૭૧ પોલીસને સારવાર અપાઈ રહી છે. આ પોલીસમાંથી પણ દવા અપાયા બાદની ટેસ્ટ નેગેટિવ આવી છે. જોકે તેમની હજી બે તબક્કાની ટેસ્ટ કરાયા બાદ તેઓને કોરાનામુક્ત જાહેર કરાશે એવું જાણવા મળ્યું છે.

mumbai mumbai police mumbai news coronavirus covid19 lockdown