નવી મુંબઈની સ્કૂલમાં 200 કેદીને આઇસોલેશનમાં રખાયા

19 June, 2020 11:57 AM IST  |  Navi Mumbai | Mumbai Correspondent

નવી મુંબઈની સ્કૂલમાં 200 કેદીને આઇસોલેશનમાં રખાયા

નવી મુંબઈના ખારઘરમાં આવેલી ગોખલે હાઈ સ્કૂલની બહાર ચોકી કરી રહેલા પોલીસ.

સામાન્ય સંજોગોમાં જૂન મહિનામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત બાદ એમાં વિદ્યાર્થીઓનો કોલાહાલ જોવા મળે, પરંતુ કોરોનાના વાઇરસની અત્યારની સ્થિતિમાં પ્રશાસન દ્વારા દરદીઓને રાખવા માટેનાં આઇસોલેશન સેન્ટર બનાવાયાં છે. નવી મુંબઈના ખારઘરમાં આવેલી ગોખલે હાઈ સ્કૂલમાં અત્યાર સુધી ૨૦૦ કેદીઓને રખાયા હોવાનું જાણવા મળ્યું છે. આ કેદીઓને કોરોનાનું સંક્રમણ થતાં અહીં રખાયા છે અને તેમની સુરક્ષાની જવાબદારી ૧૧ પોલીસને સોંપાઈ છે. ગોખલે સ્કૂલ નવી મુંબઈના સેક્ટર-૧૨માં આવેલી છે.

ખારઘર ખાતેની તળોજા સેન્ટ્રલ જેલમાં કેદીઓની ક્ષમતા ૨૧૨૪ છે, પણ અત્યારે અહીં બે હજારથી વધારે કેદીઓ સજા કાપી રહ્યા છે. એપ્રિલ મહિનામાં મુંબઈની આર્થર રોડ જેલમાં કેટલાક કેદીઓને કોરોનાનું સંક્રમણ થયા બાદ તળોજા સેન્ટ્રલ જેલના અધિકારીઓએ સાવચેતીના પગલારૂપે અહીં આવનારા નવા કેદીઓને ગોખલે સ્કૂલમાં શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં રાખવા માટેની વ્યવસ્થા કરી છે. શરૂઆતમાં અહીં વીસ કેદી હતા, જેમાં ધીમે-ધીમે વધારો થતાં અત્યારે બસો કેદીઓ થઈ ગયા હોવાનું જેલના અધિકારીએ જણાવ્યું હતું.

જેલના પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ બસો કેદીઓ માટે ગોખલે સ્કૂલમાં માત્ર ૧૧ પોલીસ જ તહેનાત કરાયા છે. દિવસમાં પાંચ અને રાત્રે છ પોલીસ આટલા બધા કેદીઓ પર નજર રાખે છે. આ સિવાય સ્કૂલના ગેટ પાસે નવી મુંબઈ પોલીસના ચાર પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે. સ્કૂલોની બધી રૂમ કેદીઓથી ભરાઈ ગઈ હોવાથી પોલીસે ૨૪ કલાક ચાંપતો બંદોબસ્ત રાખવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

navi mumbai mumbai mumbai news coronavirus covid19 lockdown