મુંબઈ : ધારાવીમાંથી ગઈ કાલે કોરોનાના વધુ 19 કેસ મળ્યા

03 July, 2020 07:01 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ : ધારાવીમાંથી ગઈ કાલે કોરોનાના વધુ 19 કેસ મળ્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના સૌથી જાણીતા અને એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાંથી ગઈ કાલે કોવિડ-19ના વધુ ૧૯ કેસ પૉઝિટિવ નોંધાયા હતા. આ સાથે હવે કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા ધારાવીમાં ૨૩૦૧ થઈ ગઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના અપડેટ અનુસાર ધારાવીમાંથી ગઈ કાલે વધુ ૧૯ કેસ મળી આવતાં હવે દર્દીઓની સંખ્યા ૨૩૦૧ થઈ ગઈ હતી. જોકે ગઈ કાલે પણ બીએમસી દ્વારા કોઈ મૃતકની વિગત આપવામાં આવી નહોતી. પ્રસાશન દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર રવિવાર સુધીના જ મૃત્યુઆંક આપવામાં આવ્યા હતા જે અનુસાર ધારાવીમાંથી ૮૨ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં અને કુલ ઍક્ટિવ કેસ ૫૫૧ છે, જ્યારે ૧૬૬૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

રાજ્યની કોવિડ-19 ટાસ્ક ફોર્સનો સભ્ય કોરોના વાઇરસથી સંક્રમિત

મહારાષ્ટ્ર સરકારની કોવિડ-19 ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યનું કોરોના વાઇરસ ટેસ્ટનું પરીક્ષણ પૉઝિટિવ આવતાં ગયા અઠવાડિયે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હોવાનું આરોગ્ય ખાતાના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. રાજ્યમાં ખાસ કરીને મુંબઈમાં કોરોના વાઇરસના વધતા જતા કેસ અને મૃત્યુની સંખ્યાને ધ્યાનમાં રાખતાં ૧૩ એપ્રિલે ૯ સિનિયર ડૉક્ટરોની ટાસ્ક ફોર્સની રચના કરી તેમને કોવિડ-19ના દર્દીઓ અને આઇસીયુ પ્રક્રિયા માટેના ઉપચાર પ્રોટોકૉલનું નિરીક્ષણ કરવા અને રોગચાળાની સ્થિતિમાં રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુવ્યવસ્થિત કરવામાં મદદ કરવા જણાવાયું હતું.

નાણાવટી હૉસ્પિટલ પર કોરોનાના પેશન્ટ પાસેથી વધુ ચાર્જ વસૂલવાના મામલે કેસ

કોરોના વાઇરસના દર્દીને વધુ ચાર્જ કરવાના આરોપસર બીએમસીએ સાંતાક્રુઝની સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ સામે એફઆઇઆર નોંધાવ્યો છે. દર્દીની ફરિયાદના પગલે બુધવારે કે-વેસ્ટ વૉર્ડના અધિકારીઓએ શહેરની નાણાવટી હૉસ્પિટલ સામે એફઆઇઆર દાખલ કર્યો હોવાનું બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ અને હૉસ્પિટલના અધ્યક્ષ સામે આઇપીસી કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરાઈ નથી એમ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. હૉસ્પિટલના પ્રવક્તાને આ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે હૉસ્પિટલે અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ કોવિડ-19 દર્દીઓની સારવાર કરી છે અને અમને મીડિયા અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે બિલમાં વિસંગતતા માટે હૉસ્પિટલ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે ‘અમે બિલની તપાસ માટે ફરિયાદની નકલની રાહ જોઈ રહ્યા છીએ અને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ કરીશું.’

mumbai mumbai news dharavi coronavirus covid19 lockdown