પગપાળા જતા પરપ્રાંતીયોને હવે એસટી બસો રાજ્યની સરહદ સુધી મૂકી આવશે

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Anurag Kamble

પગપાળા જતા પરપ્રાંતીયોને હવે એસટી બસો રાજ્યની સરહદ સુધી મૂકી આવશે

એક બસમાં ૨૫ મુસાફરોને લઈને ૫૦ જેટલી બસો થાણેથી ઊપડી છે.

ઔરંગાબાદ નજીક મધ્ય પ્રદેશ તરફ જતા 16 પરપ્રાંતીય મજૂરોનાં ટ્રૅક પર મોત થયાના દિવસ બાદ રાજ્ય સરકાર ઍક્શનમાં આવી છે. રાજ્ય સરકારે થાણે જિલ્લામાં તેમના વતન જતા લોકોને મધ્ય પ્રદેશની સરહદ સાથે જોડાયેલા ધુળે જિલ્લાના શિરપુર લઈ જવા માટે રાજ્ય પરિવહન (એસટી)ની બસો ઊભી કરી છે.
 
અત્યાર સુધીમાં 25થી વધુ મજૂરોને લઈ જતી 50થી વધુ એસટી બસો પહેલાંથી જ થાણેથી રવાના થઈ ગઈ છે.

લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી ઘણા પરપ્રાંતીય મજૂર પગપાળા પોતાના વતન તરફ જતા જોવા મળ્યા છે. રેલવેએ તેમને ઘરે જવા માટે વિશેષ ટ્રેનો શરૂ કરી હોવા છતાં તેમાંના હજારો હાઇવે પર અને રેલવે પાટા પર ચાલતા જોવા મળ્યા હતા.

તેમની યાતનાનો અંત લાવવા માટે થાણે પોલીસ અને એસટી વહીવટી તંત્ર દ્વારા 15 પિકઅપ પૉઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને બસોમાં રાજ્યની સરહદ પર લઈ જઈ શકાય.

થાણેના એક પોલીસ-અધિકારીએ કહ્યું કે અમે પરપ્રાંતીયોને તેમના માર્ગ પર રોકી થોડી વાર આરામથી બેસાડીને થર્મલ સ્ક્રીનિંગ કરીએ છીએ અને પછી 25નાં જૂથો બનાવીએ છીએ અને તેમને બસોમાં ચડવા માટે કહીએ છીએ. આ બસો એસટી વિભાગના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.

રવિવારથી 40 જેટલી બસો ભિવંડીથી શિરપુર જવા રવાના થઈ છે એમ જણાવતાં ડીસીપી (ઝોન 2) રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે ‘માન્કોલી અને રંઝનોલી આ બે પિકઅપ પૉઇન્ટનો હું ઇનચાર્જ છું. તબીબી ચકાસણી અને સ્થળાંતર કરનારાઓની વિગતોની ચકાસણી પછી અમે તેમને બસોમાં ચડવાની પરવાનગી આપીએ છીએ.’

અત્યાર સુધીમાં આવા 1000થી વધુ સ્થળાંતરિતોને ધુળે મોકલવામાં આવ્યા છે.

mumbai mumbai news anurag kamble coronavirus thane covid19 lockdown