મુંબઈ: મીરા-ભાઈંદર, થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં લૉકડાઉન લંબાવાયું

11 July, 2020 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: મીરા-ભાઈંદર, થાણે, કલ્યાણ અને ડોમ્બિવલીમાં લૉકડાઉન લંબાવાયું

ફાઈલ તસવીર

મીરા-ભાઈંદર, થાણે, કલ્યાણ, ડોમ્બિવલીના ચાર વિસ્તારનાં કૉર્પોરેશનોમાં થોડાં અઠવાડિયાં પહેલાં નવા કમિશનરો નિયુક્ત થયા હતા. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)એ લૉકડાઉન દરમ્યાન ઘરકામ કરતા લોકોને કામ કરવાની મંજૂરી આપી છે.

છેલ્લા ૧૫ દિવસમાં એકંદરે કુલ સક્રિય કેસની સંખ્યા બમણી થવા ઉપરાંત ૮ જુલાઈની સરખામણીમાં સક્રિય કેસમાં મુંબઈ કરતાં દોઢ ગણી વૃદ્ધિ નોંધાઈ હતી.

બાવીસમી જૂને નોંધાયેલા એકંદર કેસ ૨૯,૧૧૧થી વધીને ૯ જુલાઈએ ૬૩,૩૮૬ પર પહોંચ્યા હતા. આ જ સમયગાળા દરમ્યાન સક્રિય કેસની સંખ્યા પણ ૧૬,૯૨૯થી વધીને ૩૪,૭૬૮ થઈ છે. ૯ જુલાઈએ મુંબઇમાં કુલ ૨૩,૭૮૫ ઍક્ટિવ દરદીઓ હતા.

રાજ્ય સરકારે વધુ સારા વ્યવસ્થાપન માટે મેડિકલ બૅકગ્રાઉન્ડ ધરાવતા ચાર કમિશનરોની નિમણૂક કરી અને બીજી જૂનથી ૧૦ દિવસ માટે કડક લૉકડાઉન લાગુ કર્યું હતું. જોકે એનાથી પરિસ્થિતિમાં વિશેષ ફરક પડ્યો ન હોવાથી બુધવારે એમએમઆરના નિગમોના મ્યુનિસિપલ કમિશનરો લૉકડાઉન વિસ્તરણ વિશે ચર્ચા કરવા રાજ્યના અધિકારીઓને મળ્યા હતા.

એમએમઆરમાં થાણે જિલ્લો, થાણે શહેર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાઈંદર, પાલઘર અને વસઈ-વિરારનો સમાવેશ છે. થાણે, નવી મુંબઈ અને મીરા-ભાઈંદરમાં કોવિડ-19 કેસમાં બમણો, જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં ત્રણ ગણો વધારો થયો હતો.

થાણેમાં થોડી છૂટછાટોની જાહેરાત કમિશનર દ્વારા કરાઈ

ટીએમસી કમિશનર ડૉ. બિપિન શર્માએ તેમના આદેશમાં કહ્યું હતું કે ઘરમાં કામવાળીને કામ કરવાની છૂટ સિવાય નિયમો મોટા ભાગે સમાન જ રહે છે. શાકભાજી બજાર સહિતની તમામ દુકાનો બંધ રહેશે. કરિયાણા અને દવાઓ ઑનલાઇન ઑર્ડરથી મળી શકશે. દારૂની હોમ ડિલિવરી પહોંચાડી શકાશે. આવશ્યક સેવાઓ અને ઉત્પાદન એકમોને સંચાલિત કરવાની મંજૂરી અપાશે. જોકે ઇન્ટરસિટી પરિવહન પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારે બહારથી આવતાં વાહનો અને અન્ય શહેરોમાં જતાં વાહનોને મંજૂરી અપાશે.

mumbai mumbai news lockdown coronavirus covid19 thane bhayander dombivli kalyan prajakta kasale brihanmumbai municipal corporation