બાંદરા કબ્રસ્તાનના ઉપયોગ સામે મનાઈ નહીં : હાઈ કોર્ટ

28 April, 2020 10:31 AM IST  |  Mumbai | Agencies

બાંદરા કબ્રસ્તાનના ઉપયોગ સામે મનાઈ નહીં : હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ

કોવિડ-૧૯ પીડિતોના મૃતદેહોને દફનાવવા માટે બાંદરા કબ્રસ્તાનનો ઉપયોગ કરવાની બીએમસીએ આપેલી પરવાનગીને પડકારતી અરજીને સ્વીકારવાનો બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ બી. પી. કોલાબાવાલાએ બાંદરાના કોંકણી મુસ્લિમ કબ્રસ્તાન નજીક રહેતા સ્થાનિકો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી હાથ ધરી હતી. સ્થાનિકોએ કોવિડ-૧૯ના દરદીઓના મૃતદેહોને દફનાવવા પર અદાલત પ્રતિબંધ ફરમાવે તેવી માગણી કરી હતી.

સ્થાનિક પ્રદીપ ગાંધી તથા અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં દાવો કર્યો હતો કે સ્થાનિકોમાં એવો ભય પ્રવર્તે છે કે જો દફનક્રિયા યોગ્ય રીતે સંપન્ન નહીં થઈ હોય તો વાઇરસ સમુદાયમાં ફેલાશે.

કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ વતી રજૂઆત કરનાર એડવોકેટ પ્રતાપ નિમ્બાલકરે સોમવારે ઉપરોક્ત અરજીનો વિરોધ કરીને દલીલ કરી હતી કે મૃતદેહોનો નિકાલ કરતાં પહેલાં યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે દલીલ કરી હતી કે પિટિશનરોએ વાઇરસ મૃતદેહો થકી ફેલાતો હોવા અંગેનાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા નથી.

નિમ્બાલકરે કોવિડ-૧૯ના મૃતદેહના વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શિકા અંગે આરોગ્ય અને પરિવાર બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ૧૫ એપ્રિલની જાહેરાતને ટાંકીને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો ફેલાવો ટીપાં (ડ્રોપલેટ્સ)થી થાય છે.

bombay high court mumbai mumbai news coronavirus covid19 bandra