મુંબઈ: એપીએમસી માર્કેટ ખુલ્યાના પહેલા જ દિવસે અંધાધૂંધી

19 May, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: એપીએમસી માર્કેટ ખુલ્યાના પહેલા જ દિવસે અંધાધૂંધી

ગઈ કાલે એપીએમસી માર્કેટનો ગેટ ખૂલે એ પહેલાં જ બહાર વેપારીઓની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

એક અઠવાડિયા બાદ ગઈ કાલે એપીએમસી માર્કેટ ખૂલી ત્યારે જબરદસ્ત અંધાધૂંધી સર્જાઈ હતી. હજારોની સંખ્યામાં વેપારીઓ, ગુમાસ્તા, કર્મચારીઓ માર્કેટમાં તેમની દુકાનોમાં જવા આવી પહોંચતાં ભારે ગીરદી સર્જાઈ હતી.

એનું એક કારણ એ હતું કે એપીએમસી દાણાબંદરમાં એન્ટ્રી લેવા માટે માત્ર ઝેડ ગલીનો ગેટ જ ખુલ્લો રખાયો હતો જ્યાં અંદર પ્રવેશનાર લોકોની બીએમસીના મેડિકલ સ્ટાફ દ્વારા ચકાસણી કરાતી હતી. લોકોને તકલીફ ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શામિયાણો પણ બાંધ્યો હતો એમાં પાછા બામ્બુ લગાડીને લોકો લાઇનસર પ્રવેશે અને એમાં પણ ચોક્કસ અંતરે કુંડાળા કરાયા હતા જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. વેપારીઓ, ગુમાસ્તા, કર્મચારીઓ, માથાડીઓ, ટ્રાન્સપોર્ટરો ઊભા રહ્યા હતા, પણ શામિયાણાની બહાર ઊભા રહેલાઓએ એટલો હલ્લો મચાવ્યો કે કેટલાક લોકો તો વગર ચેકિંગે જ અંદર ઘૂસી ગયા હતા. અનેક વેપારીઓનું પણ કહેવું હતું કે ભાઈઓ ડિસ્ટન્સ જાળવો, પણ કોઈ કોઈને ગણતરીમાં લેતું નહોતું. ભારે ઇનડિસિપ્લિન જોવા મળી હતી. લોકોને હવે ડર લાગી રહ્યો છે કે ભલે અમને હાલમાં કોરોના નથી થયો, પણ જો આવી અરાજકતા ચાલુ રહી અને લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો જેને કોરોના નહીં થયો હોય તેને પણ એ થવાની શક્યતાઓ વધી જશે.

આ વિશે માહિતી આપતાં ગ્રોમાના જૉઇન્ટ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે પહેલો દિવસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. અમે બીજી ગલીઓ અને ગેટ ખોલવાનું વિચારી રહ્યા છીએ જેથી ભીડને ખાળી શકાય. અમે હાલમાં વેપારીઓને ઓછા કર્મચારીઓ સાથે કામ કરવા જણાવ્યું છે. વળી દલાલભાઈઓને તો અમે ચોખ્ખી ના પાડી હતી કે ન આવશો એમ છતાં આવ્યા. વળી અમારે ત્યાં લોકો સમજતા નથી, સોશ્યલ ડિસ્ટન્સિંગ નથી પાળતા.’

ગઈ કાલે આમ પણ બજારમાં કોઈ ઘરાકી ન હતી, માથાડી પણ નથી. સામાન્ય સંજોગોમાં રોજ જ્યાં ૬૦૦ ગાડીઓ ભરાતી હોય છે ત્યાં માંડ ૧૦૦-૧૨૫ ગાડી ભરાવાનો અંદાજ છે. લોકલવાળા ટ્રાન્સપોર્ટરો પાસે ડ્રાઇવર નથી, ક્લિનર નથી એથી ગાડીઓ પણ ઓછી જ છે.

પ્રાઇવેટ બસ માટે ચાલી રહેલા પ્રયાસ

ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ વધુમાં કહ્યું હતું કે ‘અમે ડોમ્બિવલીમાં રહેતા કર્મચારીઓને માર્કેટમાં લઈ આવવા પ્રાઇવેટ બસની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. પહેલાં પણ હતી જ, પરંતુ એની પરમિશન ફરી લેવામાં આવશે. એ પૉઇન્ટ ટુ પૉઇન્ટની સર્વિસ માટે જે ભાડું નક્કી થાય એ વેપારીઓએ આપવું પડશે. હાલમાં એક બસમાં એની કૅપેસિટી કરતાં અડધા જ પ્રવાસીઓને લઈ જવાની પરવાનગી છે. વેપારીઓએ એ ખર્ચ ઉઠાવવો પડશે. એનએમએમટીની બસ માટેની અહીંથી પરવાનગી મળે એમ છે, પણ ડોમ્બિવલીના સ્થાનિક કે નગરસેવકો અને રાજકારણીઓ એની ના પાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવી મુંબઈમાંથી કોરોના તેમના વિસ્તારમાં ફેલાશે.

mumbai mumbai news apmc market coronavirus covid19 lockdown