ડોમ્બિવલીમાં સ્મશાનભૂમિમાં વપરાયેલી પીપીઈ કિટના ઢગલા ખડકાયા છે

01 July, 2020 11:28 AM IST  |  m | Mumbai correspondent

ડોમ્બિવલીમાં સ્મશાનભૂમિમાં વપરાયેલી પીપીઈ કિટના ઢગલા ખડકાયા છે

સ્મશાનભૂમિ પર જ્યાં-ત્યાં ફેંકી દેવાયેલી પીપીઈ કિટ અને ગ્લવ્ઝ.

ડોમ્બિવલીની શિવમંદિર સ્મશાનભૂમિમાં કોરોના-સંક્રમિત ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરવા આવતો પ્રાઇવેટ હૉસ્પિટલનો સ્ટાફ વાપરેલી પીપીઈ કિટ, હૅન્ડ-ગ્લવ્ઝ અને પહેરેલા માસ્ક સ્મશાનની આજુબાજુના વિસ્તારમાં નાખી દે છે, જેને કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાને આવતા લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોરોના-સંક્રમિત ડેડ-બૉડીને બાળતા કર્મચારીઓ કોઈ સેફટીનું પાલન નથી કરતા.

કોરોના મહામારીમાં ડોમ્બિવલી-ઈસ્ટમાં આવેલી શિવમંદિર સ્મશાનભૂમિ પાલિકા સંચાલિત છે. જોકે પાલિકાએ સ્મશાનભૂમિમાં લગતાં અનેક કામો માટે કૉન્ટ્રૅક્ટ આપ્યા છે. પાલિકાની આ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવા આવતા લોકો વાપરેલી પીપીઈ કિટ અને માસ્ક સ્મશાનની આજુબાજુમાં જ ફેંકી દે છે જેથી ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરવા આવતા પરિવારજનોને પણ કોરોનાનો ભય રહે છે. જેમના ઘરે કોરોનાને લીધે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેના પરિવારજનોના જીવ પણ પાલિકા જોખમમાં મૂકે છે.

પાલિકાના ‘જી’ વૉર્ડના ઑફિસર અક્ષય ગાર્ડે જણાવ્યું હતું કે ‘શિવમંદિર સ્મશાનભૂમિમાં દર બે દિવસે સૅનિટાઇઝિંગ કરવામાં આવે છે. જોકે હાલમાં અહીં કોઈ વૉચમૅન નથી એટલે અહીં આવતા લોકો આ રીતે પીપીઈ કિટ સાથે અન્ય ચીજો અહીં-તહીં નાખીને ચાલ્યા જાય છે. આવું કરવા બદલ પાલિકા દ્વારા કોઈ ફરિયાદ આવી નથી. હવે ત્યાં પાલિકાના અધિકારીઓ રાઉન્ડ મારશે. જો કોઈ આ રીતે ફેંકતું દેખાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.’

સ્મશાનભૂમિમાં ચીમની કૉન્ટ્રૅક્ટર શેખર માંડુસકરે જણાવ્યું કે ‘અમારું કામ માત્ર ચીમની અને આવતી ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરવાનું છે. હાલમાં કોરોનાને લીધે સ્મશાનમાં પહેલાં કરતાં ૭૦ ટકા વધારે ડેડ-બૉડી અંતિમ સંસ્કાર માટે આવતી હોવાથી અમે આખા સ્મશાન પર દેખરેખ રાખી શકતા નથી અને દેખરેખ રાખવાનું કામ પાલિકાનું છે.’

શિવમંદિર સ્મશાનભૂમિમાં કામ કરતા એક અધિકારી જેઓ પોતે ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર કરે છે તેમનું કહેવું છે કે પાલિકા તરફથી આવતી કોઈ પણ કિટ અમને મળતી નથી. કિટ તો ઠીક, ડેડ-બૉડીને હાથ લગાડવા માટેનાં હૅન્ડ-ગ્લવ્ઝ પણ અમે બેથી ત્રણ દિવસ સુધી વાપરીએ છીએ. અમારો પગાર પણ ઘણો ઓછો હોવાથી અમે નવી કિટ લઈ નથી શકતા.

mumbai mumbai news coronavirus covid19 lockdown dombivli