લૉકડાઉનમાં મુંબઈનું આ સિનિયર સિટીઝન કરે છે ઑનલાઈન મન કી બાત

10 April, 2020 09:04 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં મુંબઈનું આ સિનિયર સિટીઝન કરે છે ઑનલાઈન મન કી બાત

આપણા વડા પ્રધાન દર મહિને રેડિયો પર મન કી બાત કરીને લોકો સાથે પોતાના અનુભવો શેર કરે છે ત્યારે મુંબઈના એક સિનિયર સિટીઝનના ‘મન કી બાત’ ગ્રુપે લૉકડાઉનના સમયમાં વૉટ્સઍપના માધ્યમથી અંતાક્ષરી, વાર્તા, જોક્સ, રસોઈનું મેનું તૈયાર કરવા સહિતની વિવિધ ઍક્ટિવિટી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

‘મન કી બાત’ ગ્રુપમાં વિલે પાર્લેથી મીરા રોડ સુધી તથા વિદ્યાવિહાર વગેરે વિસ્તારના ૬૦ મહિલા-પુરુષ સિનિયર સિટીઝન છે. સામાન્ય સંજોગોમાં તેઓ દર મહિને બે વખત મળીને મનગમતી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ થવાની શક્યતા હોવાથી દેશભરમાં લૉકડાઉન કરાયું છે. આથી આ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે તેમણે સમય પસાર કરવાની સાથે બધા પોત પોતાના વિચારો રજૂ કરી શકે એ માટે ‘મન કી બાત’ નામનું એક વૉટ્સઍપ ગ્રુપ કાંદિવલીમાં રહેતા સંધ્યા કોઠારી અને વિદ્યાવિહારમાં રહેતા ઍડ્વોકેટ રમેશ છેડાએ બનાવ્યું છે.

આ ગ્રુપ વિશે ઍડ્વોકેટ રમેશ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ દિવસના લૉકડાઉનની શરૂઆતના ત્રણ-ચાર દિવસમાં જ બધા કંટાળી ગયા હતા. અમે એકલ દોકલ વૉટ્સઍપ પર ચેટ કે વિડિયો કોલિંગ કરતા હતા, પરંતુ ગ્રુપના બધા લોકો જોડાય તો મજા આવશે અને સારો સમય પસાર થશે એવા વિચારથી અમે ‘મન કી બાત’ ગ્રુપ બનાવ્યું છે. દરરોજ સાંજે ૬થી રાતના ૧૦ વાગ્યા સુધી અમે નક્કી કરેલા ટૉપિક પ્રમાણે ગીતા ગાઈને અંતાક્ષરી રમીએ છીએ. ફિલ્મનું એક સીન ગ્રુપમાં શેર કરીને એના પરથી વિડિયો કોલિંગ દ્વારા બધા ગીત ગાવાની સાથે વાર્તા કહેવી, જોક્સ કહેવા વગેરે ઍક્ટિવિટી કરીએ છીએ. આમાં અમારો સમય પસાર થવાની સાથે બધા વિવિધ ચર્ચા પણ કરે છે.’.

mumbai news mumbai coronavirus covid19