એપીએમસી માર્કેટ બંધ કરવી કે નહીં એ નિર્ણય ટૂંકમાં સમયમાં લેવાશે

30 April, 2020 07:36 AM IST  |  Mumbai | Mumbai Correspondent

એપીએમસી માર્કેટ બંધ કરવી કે નહીં એ નિર્ણય ટૂંકમાં સમયમાં લેવાશે

એપીએમસી માર્કેટ

નવી મુંબઈની વાશીમાં આવેલી એપીએમસી માર્કેટમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એલ ગલીના બે વેપારી અને પી ગલીના એક દલાલભાઈનો સમાવેશ થાય છે. વેપારી વાશીમાં રહે છે જ્યારે દલાલભાઈ ઘાટકોપરના રહેવાસી છે. એલ ગલીમાં કોરોનાનો આ બીજો બનાવ છે. આ પહેલાં જ્યારે એક વ્યક્તિને કોરોના થયો હતો ત્યારે એલ ગલી ૧૦ દિવસ માટે સીલ કરાઈ હતી. જોકે એ પછી કેટલીક દુકાનો ખૂલી હતી, પણ હવે ફરી બે વેપારીઓનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે એલ ગલી અને પી ગલી સિલ કરી દેવાઈ હતી.

હવે માહોલ એવો છે કે પહેલાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન માર્કેટ બંધ રાખવા માગતી હતી, પણ હવે વેપારીઓએ જ કોરોનાનું જોખમ લેવાનું ટાળીને માર્કેટમાં આવવાનું ઓછું કરી નાખ્યું છે.

આવી પરિસ્થિતિમાં માર્કેટ ચાલુ રખાશે કે બંધ કરાશે એમ જ્યારે નવી મુંબઈ મહાનગરપાલિકાના મેડિકલ ઑફિસર ડૉક્ટર બાળાસાહેબને ‘મિડ-ડે’ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આજે બુધવારે પણ બે-ત્રણ કેસ થયા છે. એથી હવે પછી સાવચેતી માટે માર્કેટ બંધ કરવી કે કેમ એ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

૭૦૦ જેટલી ટ્રક અનલોડિંગની લાઇનમાં

હાલ લૉકડાઉનના કારણે માર્કટમાં ધરાકી નથી. આ વિશે માહિતી આપતા ટ્રાન્સ્પોર્ટર પરષોત્તમ પૂંજાણીએ કહ્યું હતું કે ઘણો બધો માલ બારોબાર મુંબઈ અને થાણેમાં પહોંચી ગયો છે, જેથી કરિયાણાના દુકાનદારોએ પણ હાલ માલ લખાવવાનું ઓછું કરી નાખ્યું છે. વળી રમઝાન મહિનો પણ ચાલુ થઈ ગયો હોવાથી ઘરાકી ઓછી છે. એથી માર્કેટમાં હાલ ઘરાકી નથી, ત્યારે ઓલરેડી માર્કેટની બહાર હાલ ૭૦૦ જેટલી ટ્રકો માલ સાથે ખાલી થવા ઊભી છે. સોમવારે જ્યારે માલ અનલોડ કરવાનો દિવસ છે ત્યારે માત્ર ૧૦૦ જ ટ્રકોને માર્કેટની અંદર આવવા દેવાઈ હતી. હાલ ૪ દિવસથી ૭૦૦ જેટલી ટ્રકો બહાર લાઇનમાં ઊભી છે. એમના ડ્રાઇવર-ક્લિનરની હાલત કફોડી છે. એ લોકો લાઇન છોડી શકતા નથી અને તેમને ખાવા, પીવા અને રહેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટ્રકમાં લાખો રૂપિયાનો માલ હોવાથી એ છોડીને પણ જઈ શકાય નહીં. આખો દિવસ તડકામાં તેમણે ટ્રકમાં ભરાઈ રહેવું પડે છે.

mumbai mumbai news vashi apmc market coronavirus