દિલ્હીમાં ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને ટ્રેન દ્વારા પાછા લવાશે

13 May, 2020 06:52 AM IST  |  Mumbai | Pallavi Smart

દિલ્હીમાં ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને ટ્રેન દ્વારા પાછા લવાશે

લૉકડાઉન બાદ ૧૧૦૭ પ્રવાસીઓ સાથેની એક ખાસ ટ્રેન ગઈ કાલે મંગળવારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી દિલ્હી જવા ઊપડી હતી. પૅસેન્જરોએ ટ્રેન પર સવાર થતી વખતે જરૂરી સલામત અંતર જાળવતાં રેલવે-અધિકારીઓએ તેમના ‘સામાજિક દૃષ્ટિએ જવાબદારીપૂર્ણ’ વર્તન બદલ તેઓને બિરદાવ્યા હતા. તસવીર : પી.ટી.આઇ.

દિલ્હીમાં ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ હવે રાહતનો શ્વાસ લઈ શકે છે. ૧૬ મેના રોજ એક ટ્રેન દિલ્હીથી ૧૪૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ સાથે મહારાષ્ટ્ર આવવા રવાના થશે. મહારાષ્ટ્ર સરકારે સોમવારે દિલ્હીના સમકક્ષ હોદ્દેદારને પત્ર પાઠવીને રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પાછા લાવવા અંગે સંમતિ દર્શાવી હતી.

મહારાષ્ટ્રના મોટાભાગના વિદ્યાર્થીઓ યુપીએસસી સનદી સેવાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિલ્હીમાં રોકાયા હતા. જો કે લૉકડાઉન લંબાતાં વિદ્યાર્થીઓને બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું હતું.

વિદ્યાર્થીઓ વતન પરત ફરવા માટે રાજ્ય સરકારની પરવાનગી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાના અહેવાલ ‘મિડ-ડે’એ પાંચમી મેના રોજ પ્રસિદ્ધ કર્યા હતા.
પત્રમાં જણાવ્યા પ્રમાણે આ ટ્રેન ૧૬ મેના રોજ દિલ્હીથી રવાના થશે અને ટ્રેનના થોભવાનાં સ્થળો ગૃહ બાબતોના મંત્રાલયની માર્ગદર્શિકાને આધીન રહેશે. પત્રમાં જણાવ્યા પ્રમાણે એમએચએની માર્ગદર્શિકા અનુસાર ટ્રેન ભુસાવળ, નાશિક અને કલ્યાણ એ ત્રણ સ્થળે થોભી શકે છે અને પુણેમાં તેનો પ્રવાસ સમાપ્ત થશે.

પુણે સ્થિત પ્રોફેસર રાજેશ બોનાવાટે સનદી પરીક્ષાઓની તૈયારી માટે દિલ્હીમાં છે અને દિલ્હીમાં ફસાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓના વતન પાછા ફરવાના પ્રયાસોમાં તેઓ અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ‘અમે સૌ ઘરે પાછા ફરવાના છીએ, ત્યારે આ એક ઘણી ખાસ અને ઐતિહાસિક ક્ષણ છે. લૉકડાઉન દરમ્યાન ભારતમાં વિદ્યાર્થીઓ માટેની કદાચ આ પ્રથમ સ્પેશ્યલ ટ્રેન હશે, જે દિલ્હીમાં ફસાયેલા ૧૪૦૦ વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર લઈ જશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown pallavi smart