મલાડની આ ગુજરાતી સ્કૂલને સલામ…

25 June, 2020 08:23 AM IST  |  Mumbai | Mayur Parikh

મલાડની આ ગુજરાતી સ્કૂલને સલામ…

ઑનલાઈન ક્લાસ લેતા ટીચર

સામાન્ય રીતે લોકો માતૃભાષાની સ્કૂલોને ‘જુનવાણી’ કહીને ઉતારી પાડતા હોય છે. એવો ટોણો મારવામાં આવે છે કે આ સ્કૂલો આધુનિકતાને અપનાવી શકતી નથી. પરંતુ આવી દલીલોનો ગુજરાતી માધ્યમિક સ્કૂલોએ છેદ ઉડાડી દીધો છે. મુંબઈ શહેરમાં સ્થિત અનેક ગુજરાતી સ્કૂલો હવે ઑનલાઇન શિક્ષણ આપી રહી છે. આ તમામ બાબતોમાં મલાડ (ઈસ્ટ)માં સ્થિત સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જ્યોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કૂલે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સ્કૂલમાં આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં શિક્ષણ લઈ રહ્યા છે. અહીં લૉકડાઉન લાગુ થયાના એક સપ્તાહ બાદ તરત જ એટલે કે બીજી એપ્રિલથી દસમા ધોરણના વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. યુટ્યુબ દ્વારા વિડિયો, વૉટ્સઍપ દ્વારા હોમવર્ક તેમ જ ઍપ્લિકેશનો દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. આ સંદર્ભે વધુ વિગત આપતાં સ્કૂલના પ્રિન્સિપાલ વિનોદચંદ્ર રામજીભાઈ ચૌધરીએ ગુજરાતી ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘અમે સરકારી નિર્ણયની રાહ ન જોતાં વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી દીધી. જોકે દસમું ધોરણ છોડીને અન્ય કક્ષામાં ભણતા વિદ્યાર્થીઓનું ભણતર ૧૫ જૂનથી શરૂ કરવામાં આવ્યું છે. મલાડ (ઈસ્ટ)ના કુરાર વિસ્તારમાં અમારી સ્કૂલ છે અને સરકારે અમારી સ્કૂલને ક્વૉરન્ટીન સેન્ટર બનાવી છે. પરંતુ આની કોઈ જ અસર અમારા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી નથી. અમે પૂરી તકેદારી લીધી છે. આ શિક્ષણ માટે શિક્ષકોએ ઘણી મહેનત કરી છે.’

mumbai mumbai news malad coronavirus covid19 lockdown