મુંબઈ: વેપારીઓએ સાતેસાત દિવસ દુકાનો ખુલ્લાં રાખવાની કરી માગણી

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ: વેપારીઓએ સાતેસાત દિવસ દુકાનો ખુલ્લાં રાખવાની કરી માગણી

પ્રતીકાત્મક તસવીર

ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના નેજા હેઠળ મળેલી વેપારી સંગઠનોની બેઠકમાં કોરોના રોગચાળા સામેની લડતમાં ખભેખભા મિલાવીને સહયોગ આપતા વેપારી વર્ગની અવગણના તરફ નારાજગી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યાં હતાં. વેપારીઓએ લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરીને જાહેર કરવામાં આવેલા મિશન બિગિન અગેઇનનું સ્વાગત કરતાં દુકાનો અને વેપારી આસ્થાપનાઓ અઠવાડિયાના ત્રણ દિવસની જગ્યાએ સાતેસાત દિવસ ખુલ્લાં રાખવાની માગણી કરી હતી.

ફામની બેઠકના અંતે વેપારી સંગઠનોએ જણાવ્યું હતું કે ‘જૂન મહિનામાં લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરતી વેળા રસ્તાની બન્ને બાજુની દુકાનો-ઑફિસો વગેરે વારાફરતી ત્રણ-ત્રણ દિવસ ખુલ્લાં રાખવાની છૂટ આપવામાં આવી હતી. એ છૂટ આપ્યાને એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયા પછી સાતેસાત દિવસ વેપાર-ધંધા ખુલ્લા રાખવાની છૂટ મળવાની અપેક્ષા હતી, પરંતુ એવું કરવામાં ન આવ્યું. લૉકડાઉનના દિવસોમાં સમાજસેવામાં વેપારી વર્ગ સૌથી અગ્રેસર રહ્યો છે. સરકારે ખેડૂતો, મજૂરો, રસ્તે રઝળતા લોકો અને તમામ પ્રકારના ગરીબો સહિત સમાજના તમામ વર્ગોને મદદ કરી છે; પરંતુ ફક્ત વેપારીઓને સહાય કે પ્રોત્સાહન આપ્યાં નથી. વેપારીઓએ દુકાનોનાં ભાડાં, લાઇટ બિલો, બૅન્ક લોન પર વ્યાજ અને કર્મચારીઓના પગાર સમયસર ચૂકવ્યા છતાં સરકાર તરફથી વેપારીઓને રાહત કે સુવિધા પ્રાપ્ત થયાં નથી.’

ગરવારે ક્લબ હાઉસમાં રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન રાજ કે. પુરોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલી ફામની બેઠકમાં બુલિયન એક્સ્ચેન્જ, ઇલેક્ટ્રિક મર્ચન્ટ્સ અસોસિએશન, અમ્બ્રેલા અસોસિએશન, ઇમ‌િટેશન જ્વેલરી અસોસિએશન, હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર), ભારત મર્ચન્ટ્સ અસોસિએશન, યાર્ન મર્ચન્ટ્સ અસોસિએશન, મુંબઈ બૅન્ગલ્સ અસોસિએશન, ચીરા બજાર જ્વેલર્સ અસોસિએશન વગેરે વેપારી સંગઠનોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ હાજર હતા.

mumbai mumbai news coronavirus covid19 lockdown