ટ્રેનોમાં બધાને છૂટ આપવા સામે કોરોનાના પ્રતિકારની સજ્જતા કેટલી?

22 October, 2020 12:29 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટ્રેનોમાં બધાને છૂટ આપવા સામે કોરોનાના પ્રતિકારની સજ્જતા કેટલી?

પ્રવાસીઓ ઘાટકોપર રેલવે સ્ટેશને ટ્રેનમાં ચઢી રહ્યા છે. તસવીર : સમીર સૈયદ અબેદી

મુંબઈની સબર્બન ટ્રેનોમાં સર્વસામાન્ય જનતાને સાર્વત્રિક પ્રવેશ આપવાની જોગવાઈ માટે રેલવે તંત્રની ઉત્સુકતા સામે પ્રવાસી સંગઠનોએ આયોજનની પૂરતી તૈયારી અને સજ્જતાના પ્રશ્નો ઊભા કર્યા છે. રેલવે તંત્રે ટ્રેનો રાબેતા મુજબ શરૂ થયા પછી લોકોના ધસારા પર નિયંત્રણ, સક્ષમ ઑનલાઇન ટિકિટિંગ સિસ્ટમ તેમ જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સંપૂર્ણ તૈયારી બાબતે મુસાફરોનાં સંગઠનોએ શંકા દર્શાવી છે. જોકે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર જીવીએલ સત્યકુમાર અને મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે રેલવે તંત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે અમે પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ક્યુઆર કોડ સિસ્ટમ સહિત તમામ બાબતોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

વેસ્ટર્ન રેલવે યુઝર્સ ઝોનલ કન્સલ્ટેટિવ કમિટીના ભૂતપૂર્વ સભ્ય શૈલેષ ગોયલે જણાવ્યું હતું કે સમયની માગ અનુસાર કાર્યપદ્ધતિ અને કાર્યપ્રણાલીમાં સુધારાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રે કંઈ કર્યું નથી. આવા સુધારા બાબતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) સાથે ચર્ચા ચાલતી હતી. કલર કોટેડ ટિકિટ્સ વિશે વિચારણા ચાલતી હતી. બીજા અનેક કરવા જેવાં કામ હતાં. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના અપગ્રેડેશનની જરૂરિયાત છે, પરંતુ તેમાં આગળ શું થયું તેની ખબર નથી.

મુંબઈ રેલ પ્રવાસી સંઘના ઉપપ્રમુખ સિદ્ધેશ દેસાઈએ જણાવ્યું હતું કે સ્ટૅગર્ડ ઑફિસ ટાઇમિંગ્સનો પણ એક પ્રશ્ન છે. જોકે એ મુદ્દો અમે રજૂ કર્યો નથી. અમે પાસહોલ્ડર્સ કોઈ પણ વેળાએ પ્રવાસ કરતા હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. પાસહોલ્ડર્સ માટે સમયમર્યાદા હોવી જોઈએ. જેમકે લાલ પાસધારકો સવારે ૭.૩૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી પ્રવાસ કરી શકે. જે રીતે મેટ્રો રેલવેમાં પ્રવાસીઓના ધસારા પર નિયંત્રણની વ્યવસ્થા છે, એવી એક્સેસ કન્ટ્રોલની જોગવાઈ માટે દરેક સ્ટેશન દીઠ પ્રવાસીઓની વિગતોની જરૂરિયાત છે.

કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય અને પાલઘરના રહેવાસી હિમાંશુ વર્તક દ્વારા મુસાફરોની સલામતી માટે વિશેષ સજ્જતાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. સાત મહિનાના લૉકડાઉનના સમયનો સદુપયોગ ભાવિ પરિસ્થિતેને ધ્યાનમાં રાખીને યોજના ઘડવા માટે કરવામાં રેલવે તંત્ર નિષ્ફળ ગયું હોવાનું નૅશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય સુભાષ ગુપ્તાએ
જણાવ્યું હતું.

lockdown mumbai mumbai news coronavirus covid19 mumbai railways indian railways central railway rajendra aklekar