આ વળી નવું: પરિણીત દંપતીને પણ ગાર્ડનમાં પ્રવેશ નહીં

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Gaurav Sarkar

આ વળી નવું: પરિણીત દંપતીને પણ ગાર્ડનમાં પ્રવેશ નહીં

કોલાબામાં આવેલું બીપીટી ગાર્ડન. તસવીર : બિપિન કોકાટે

કોલાબાના રહેવાસી અને બોહરી કિચનના સ્થાપક અને સીઈઓ મુનાફ કાપડિયા અને તેમનાં પત્નીને આ સપ્તાહના પ્રારંભમાં એક વિચિત્ર અનુભવ થયો હતો. બન્ને બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) ગાર્ડનમાં ગયાં હતાં અને છેલ્લા એક દાયકાથી તેઓ અવાર-નવાર આ ગાર્ડનમાં જાય છે. વ્યક્તિદીઠ પાંચ રૂપિયાની એન્ટ્રી ટિકિટ લીધા બાદ ત્યાંના સિક્યૉરિટી ગાર્ડે તેમને એમ કહીને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો કે તેને કોઈ પણ કપલને ગાર્ડનમાં પ્રવેશ ન આપવાની મૅનેજમેન્ટ તરફથી સૂચના મળી છે.

બોહરી કિચનના ફાઉન્ડર મુનાફ કાપડિયા અને તેમનાં પત્નીને બીપીટી ગાર્ડનમાં પ્રવેશ ન અપાયો

આ બનાવ ચોથી ઑગસ્ટે સાંજે આશરે છ વાગ્યે બન્યો હતો. મારાં માતા-પિતા પણ લાંબા સમયથી આ ગાર્ડનમાં જાય છે અને મારી પત્ની અને મારું માનવું છે કે બીપીટી ગાર્ડન એ નજીકના વિસ્તારનો શ્રેષ્ઠ ગાર્ડન છે, એમ કાપડિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. ‘જ્યારે મેં ગાર્ડને પૂછ્યું કે તે શા માટે અમને પ્રવેશવા નહીં દે, વળી અંદર લોકો વૉક કરી રહ્યા હતા અને બેઠા પણ હતા એ પણ તેને બતાવ્યું, ત્યારે તેણે પ્રથમ જણાવ્યું કે તે લોકો બીપીટીના સભ્યો છે, જેમને હું જાણું છું. પછી જણાવ્યું કે કપલને બગીચામાં પ્રવેશ આપતા નથી. અમને શા માટે પ્રવેશવા નથી દેવાતાં એ જાણવાની મારી અને મારી પત્નીની ઉત્સુકતા વધી ગઈ હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આખરે મેં અમારા સ્થાનિક કૉર્પોરેટર મકરંદ નાર્વેકરને ફોન કરીને પૂછ્યું કે બીપીટી ગાર્ડનમાં કોઈ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે કેમ, જેનો તેમણે નકારમાં જવાબ આપ્યો. પછી તેમણે આ સમસ્યા ઉકેલવા બે અધિકારીઓને બીપીટી ગાર્ડન મોકલ્યા અને આખરે અમને ગાર્ડનમાં જવા દેવાયાં.’ બાદમાં ઑલ ઇન્ડિયા અસોસિએશન ઑફ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ વિજય કલાંતરીએ કાપડિયાનો સંપર્ક કર્યો હતો તેમ જ થયેલી ગરબડ બદલ માફી માગી હતી.

colaba mumbai port trust mumbai news gaurav sarkar