સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી દુકાનો રોજ ખોલવા દેવાની વેપારીઓની માગણી

02 August, 2020 08:00 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી દુકાનો રોજ ખોલવા દેવાની વેપારીઓની માગણી

દિનેશ ગોર, સુરેશ ઠક્કર અને ખાનજી ધલ

કોરોના વાઇરસને કારણે મહારાષ્ટ્રમાં પ્રશાસન દ્વારા લૉકડાઉન લંબાવાથી ચાર મહિના દુકાનો બંધ રહેવાથી વેપારીઓની હાલત કથળી ગઈ છે. દુકાનો સમ-વિષમ રીતે ખોલવાને કારણે વેપારીઓનો ધંધો બરાબર થતો નથી અને પરિણામે ઘરના ખર્ચાઓ, લોન કે હોમ લોનના હપ્તા, બાળકોની સ્કૂલ-ફી, લાઇટબિલ, સ્ટાફનો પગાર, દુકાનોનાં ભાડાં વગેરે ખર્ચા કાઢવા મુશ્કેલ બની ગયા છે. વેપારી સંગઠનોની ડિમાન્ડ છે કે આ મહિનાથી દરરોજ સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી દરરોજ દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન પ્રશાસન આપે અને જો પ્રશાસન પરમિશન નહીં આપે તો વેપારીઓ મીટિંગ કરીને કોઈ નિર્ણય લઈ લેશે.

હવે તહેવારોની સીઝન આવશે એટલે કસ્ટમરો પણ વસ્તુની ખરીદી કરવા બહાર નીકળશે અને તહેવારોમાં વેપારીઓની કમાણીના દિવસો હોય છે એમ કહેતાં ડોમ્બિવલી વેપારી મહામંડળના અધ્યક્ષ દિનેશ ગોરે ‘મિડ-ડે’ને કહ્યું કે પ્રશાસને ફરી લૉકડાઉન લંબાવ્યું છે અને તેમના હિસાબે ૧ ઑગસ્ટથી લઈને ૩૧ ઑગસ્ટ સુધી સમ-વિષમ રીતે દુકાનો ખૂલશે અને એનો સમય પણ સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે, પણ એ વેપારીઓને મંજૂર નથી, કેમ કે હવે રક્ષાબંધન અને એક પછી એક તહેવાર આવશે ત્યારે લોકો ખરીદી કરશે અને દુકાનો બંધ રહેશે તો વેપારીઓના ધંધામાં ખોટ જશે.

આમ પણ આટલા મહિનાથી દુકાનો બંધ હોવાને કારણે વેપારીઓને બહુ ખોટ ગઈ છે એથી અમારી ડિમાન્ડ છે કે હવે અમને રોજ સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરમિશન આપો. વેપારીઓ કસ્ટમરના હિત માટે પ્રિકૉશન લે જ છે. મેડિકલ શૉપ, વાઇન શૉપ, શાકભાજી વેચનારાઓને બધી છૂટ છે. તેમને કોઈ બંધન નડતાં નથી, જ્યારે વેપારીઓની દુકાનો ખોલવા માટે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે જેથી ધંધામાં વેપારીઓને ખોટ જઈ રહી છે. સમ-વિષમ દુકાનો ખુલ્લી રહેવાને કારણે કસ્ટમરોને પણ સામાન લેવા બે વખત બહાર નીકળવું પડે છે. પબ્લિકની પણ ડિમાન્ડ છે કે રોજ દુકાનો ચાલુ રહે જેથી તેઓને પણ મામાન લેવામાં સરળતા રહે. વેપારીઓએ પ્રશાસનને હંમેશાં સપોર્ટ કર્યો છે, હવે પ્રશાસન પણ વેપારીઓના હિતમાં નિર્ણય લે એવું અમે ઇચ્છીએ છીએ અને જો વેપારીઓની ડિમાન્ડ પૂરી નહીં થાય તો પછી અમે આગળ શુ કરવું એ બાબતે વેપારીઓ સાથે મીટિંગ લઈને નિર્ણય કરીશું.

થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી વેલ્ફેર સંઘના પ્રેસિડન્ટ સુરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું કે દુકાનો પી-વન અને પી-ટૂ એવી રીતે અમને નથી ખોલવી, એમાં વેપારીઓના કસ્ટમરો તૂટે છે. વેપારીઓને રાહત પૅકેજ પણ આપો. આ અમારી માગણી છે. અમારી ડિમાન્ડનો લેટર અમે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને આપ્યો છે. હવે અમે પ્રશાસન અમારી ફેવરમાં નિર્ણય લે એની રાહ જોઈ રહ્યા છીએ.’

અંબરનાથ વેપારી સંઘના અધ્યક્ષ ખાનજી ધલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે રોજ દુકાનો ખુલ્લી રહેવાથી કસ્ટમરોને પણ સુવિધા વધારે મળે છે. વેપારીઓ પાસે પોતાની દુકાન સિવાય કમાવાનો બીજો કોઈ વિકલ્પ નથી, આથી અમારી પ્રશાસનને વિનંતી છે કે અમારી ડિમાન્ડ પૂરી કરે. જો અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો વેપારીઓ રોજ દુકાનો સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખીને વિરોધ કરશે.

KDMCના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘દુકાનો ચાલુ અને બંધ રાખવા માટે અમે પી-૧ અને પી-૨ તેમ જ દુકાનો સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લી રહેશે એવો ઑર્ડર અમે કાઢ્યો જ છે. કોરોનાના કેસ હવે કન્ટ્રોલમાં આવી રહ્યા છે અને ડબલિંગ રેટ પણ પહેલાંની સરખામણીએ વધી ગયો છે. આથી હજી થોડા દિવસ અમે વૉચ કરીશું એ પછી જે-તે નિર્ણય લઈશું.’

mumbai mumbai news coronavirus covid19 lockdown urvi shah-mestry