કોરોના વાઈરસ કહેર: કમ્યુનિટી કિચનથી પાલઘર-ભિવંડીમાં ભોજનની સેવા

29 April, 2020 07:32 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના વાઈરસ કહેર: કમ્યુનિટી કિચનથી પાલઘર-ભિવંડીમાં ભોજનની સેવા

પાલઘરમાં જરૂરિયાતમંદો માટે નિયૉન ફાઉન્ડેશન દ્વારા ચાલતું કમ્યુનિટી કિચન

કોરોનાના સંકટ સમયે દેશભરમાં ચાલીસ દિવસનો લૉકડાઉનનો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કોરોનાનો ફ્રન્ટલાઇનમાં રહીને સામનો કરી રહેલી પોલીસ અને હૉસ્પિટલનો સ્ટાફ તેમ જ કામકાજ બંધ થવાની સાથે વાહનવ્યહારને અભાવે અટવાઈ ગયેલા લોકો માટે અનેક જગ્યાએ ખાવાપીવાનો પ્રશ્ન ઊભો થયો છે. સમસ્યા મોટી હોવાથી સરકારી યંત્રણા પહોંચી નથી વળતી ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને મદદરૂપ થઈ રહી છે.

પાલઘરમાં જૈન ધર્મગુરુ આચાર્ય શ્રી યશોવર્મસૂરિ મહારાજસાહેબની પ્રેરણાથી નિયૉન ફાઉન્ડેશન દ્વારા ૨૫ માર્ચથી દરરોજ સવાર અને સાંજે મળીને ૧૧ હજાર ફૂડ પૅકેટ તૈયાર કરીને વિતરણ કરાઈ રહ્યું છે. આ ભોજન પાલઘરમાં પાંચબતી દેવીશા રોડ પર આવેલા શ્રી અંબા માતાના મંદિરમાં શ્રી ગુજરાતી સેવા મંડળના સહયોગથી તૈયાર કરાય છે. દરરોજ ત્રણેક લાખ રૂપિયાના ખર્ચે આ સેવાનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

નિયૉન ફાઉન્ડેશનના ડિરેક્ટર ઉત્તમભાઈ અને પ્રવીણભાઈ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી કંપનીનો પ્લાન્ટ પાલઘરમાં છે. લૉકડાઉન બાદ અહીં મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે અને પોતાના વતન જવા માટે વાહનવ્યવહાર બંધ હોવાથી તેઓ અહીં અટવાઈ ગયા હોવાથી તેમના માટે જમવાનો પ્રશ્ન ઊભો થયો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. કોરોનાના સંકટમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહેલી પોલીસ અને દરદીઓની સારવાર કરી રહેલા સરકારી હૉસ્પિટલના કર્મચારી ફ્રન્ટલાઇન પર લડત લડી રહ્યા છે તેમના માટે પણ ભોજનની મુશ્કેલી ઊભી થઈ છે. આથી અમે ૨૫ માર્ચથી દરરોજ સવારે અને સાંજે ગરમાગરમ સાત્ત્વિક જૈન ભોજન તૈયાર કરીને ફૂડ પૅકેટ જરૂરિયાતમંદોને પહોંચાડીએ છીએ. ઉપમા, પૌંઆ, ઉસળ-પાંઉ, અલગ-અલગ જાતની ખીચડી અને સાથે ક્યારેક બુંદી જેવી વસ્તુઓ અમારા રસોડામાં બનાવીને લોકોને વહેંચીએ છીએ. સવારે સાડાપાંચ હજાર અને સાંજે પણ એટલાં જ ફૂડ પૅકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. આ કામ માટેનો તમામ ખર્ચ ફાઉન્ડેશનમાંથી થઈ રહ્યો છે.

ભિવંડીમાં કમ્યુનિટી કિચન

આવી જ રીતે ભિવંડીમાં ૪૦ વર્ષથી સેવા કરતી શ્રી ભૈરવ સેવા સમિતિ દ્વારા ભિવંડી ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાતમંદો માટે દરરોજ સવાર-સાંજ ૧૬ હજાર જેટલાં ફૂડ પૅકેટ તૈયાર કરવા માટે કમ્યુનિટી કિચન ઊભું કરાયું છે.

આ સમિતિના ચૅરમૅન પુષ્પતરાજ જૈન છે. ટ્રેઝરર અનિલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનની શરૂઆતમાં અમે ૩૦ બાઇકરોની ટીમ દ્વારા અમે જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવાની શરૂઆત કરી હતી. જોકે બાદમાં કોરોનાના દરદીઓ વધતાં અહીંના તહસીલદાર શશિકાંત ગાયકવાડની વિનંતીથી અમે અમારી સંસ્થાની બે સ્કૂલ અને આંખની હૉસ્પિટલના કર્મચારી તથા સમિતિ સાથે સંકળાયેલા ૧૦૦ જેટલા કાર્યકર્તાની મદદથી કમ્યુનિટી કિચન સ્કૂલના આંગણામાં ઊભું કર્યું છે જેમાં બે વખત ૮-૮ હજાર લોકો માટે ખીચડી અને પુલાવ તૈયાર કરાય છે. આ ફૂડ પૅકેટ આસપાસના ૧૦ ગામના સ્વયંસેવકો લઈ જાય છે. આ કામમાં સરકાર ૬૦ ટકા અનાજ પૂરું પાડે છે, જ્યારે બાકીની મરી-મસાલા સહિતની વસ્તુઓ સમિતિ દ્વારા ખરીદવામાં આવે છે. અત્યાર સુધી અંદાજે બે લાખ જેટલાં ફૂડ પૅકેટ બનાવીને અમે આપ્યાં છે.’

ભિવંડી તહસીલના તહસીલદાર શશિકાંત ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી ભૈરવ સેવા સમિતિ પાસે મોટી સંખ્યામાં કાર્યકર્તા હોવાથી તેઓ દરરોજ અમને સવાર-સાંજ મળીને ૧૬,૦૦૦ જેટલાં ફૂડ પૅકેટ બનાવીને આપે છે. તેઓ આ કામ ખૂબ સ્વચ્છતાથી અને સાવધાનીથી કરી રહ્યા હોવાથી કોરોનાના સંક્રમણની ચિંતા નથી રહેતી અને જરૂરિયાતમંદોને સાત્ત્વિક ભોજન મળે છે.’

mumbai mumbai news palghar bhiwandi coronavirus covid19