મુંબઈ : નૉર્મલ કરતાં ત્રણથી ચાર ગણાં લાઇટબિલ સામે રોષ

03 July, 2020 07:01 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ : નૉર્મલ કરતાં ત્રણથી ચાર ગણાં લાઇટબિલ સામે રોષ

ગોડફ્રે પિમૅન્ટા,પ્રભુ ચૌહાણ અને કમલેશ કાપસી

કોરોનાની મહામારી અને લૉકડાઉનમાં લોકોની આવક ઓછી થઈ ગઈ છે અને એમાંય જૂન મહિનામાં લોકોને એક મહિનાનું બિલ ત્રણથી ચાર ગણું આવતાં રહેવાસીઓ રોષે ભરાયા છે. વીજપુરવઠા કંપનીઓ દ્વારા લોકોને અપાયેલા વધારે લાઇટબિલ સામે વૉચડૉગ ફાઉન્ડેશન દ્વારા નૉવેલ પ્રોટેસ્ટ અંતગર્ત ગુરુવારે રાતે આઠથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન અનેક રહેવાસીઓએ પોતાના ઘરની લાઇટો બંધ કરી દઈને ટોટલ બ્લૅક આઉટ કરીને તાતા પાવર, અદાણી ઇલેક્ટ્રિસિટી, મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી, મુંબઈ બેસ્ટ વીજળી વિતરણ વગેરે કંપનીઓ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

આ બાબતે વૉચડૉગ ફાઉન્ડેશનના સભ્ય ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જો કોઈ વ્યક્તિ સાથે નાઇન્સાફી થઈ હોય તો તેની સાથે ઇન્સાફ કરવો. પહેલી વખત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝના ઍક્ટરોને પણ લાઇટબિલ વધુ લાગી રહ્યું છે ત્યારે વીજ-કંપનીઓ દ્વારા અપાયેલા લાંબાલચક બિલની અમને ઘણીબધી ફરિયાદો મળી હોવાથી અમે નક્કી કર્યું છે કે ગુરુવારે રાતે અડધો કલાક ઘરની લાઇટો બંધ કરીને ટોટલ બ્લૅક આઉટ કરી વીજ-કંપનીઓ સામે વિરોધ-પ્રદર્શન કરીશું અને અમને લોકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.’

કાંદિવલીમાં રહેતા પ્રભુ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું જૂન મહિનાનું બિલ ૮૫૦૦ રૂપિયા આવ્યું એવો મને મેસેજ આવ્યો, જ્યારે અદાણી ઇલેક્ટ્રિસિટીની ઍપ્સમાં જૂન મહિનાનું બિલ ૫૯૦૦ બતાવતું હતું. મેસેજ અને ઍપ્સના લાઇટબિલમાં પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. આટલું મોટું બિલ જોઈને મને તો ૪૨૦ વૉટનો ઝટકો લાગ્યો હતો, કેમ કે અત્યાર સુધી આટલું બિલ ક્યારેય આવ્યું નહોતું. મે મહિનામાં અમારું બિલ ૧૧૯૫ રૂપિયા આવ્યું હતું અને મોટા ભાગે ૧૧૦૦ અથવા ૧૨૦૦ રૂપિયા જ બિલ આવતું હોય છે ત્યારે હજારોમાં બિલ આવતાં મેં પ્રશાસનને ટ્વિટર પર ફરિયાદ કરી છે કે લોકોને ખાવાનાંય ફાંફાં છે ત્યારે આટલું મોટું બિલ આવશે તો લોકો ખાશે કે બિલ ભરશે? હું વૉચડૉગ ફાઉન્ડેશન સાથે સહમત છું અને એટલે જ મેં પણ રાતે આઠથી સાડાઆઠ વાગ્યા સુધી મારા ઘરની લાઇટો બંધ રાખીને વીજ-કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.’

વિદ્યાવિહાર-ઈસ્ટમાં રહેતા કમલેશ કપાસીએ પોતાના ઘરની લાઇટો રાતે આઠથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન બંધ કરીને વીજ-કંપનીઓ સમક્ષ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કમલેશ કપાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મે મહિનામાં અમારું લાઇટબિલ ૧૫૦૦ રૂપિયાની આસપાસ આવ્યું હતું, જ્યારે જૂન મહિનામાં એ ૮૩૦૦ રૂપિયા આવ્યું છે. મેં આ બાબતે અદાણી ઇલેક્ટ્રિસિટીને ફરિયાદ કરી તો તેઓ કહે છે કે અમે રીડિંગ કરીને વર્બલી લાઇટબિલ બનાવ્યું છે. તમે ઇન્સ્ટૉલમેન્ટમાં બિલ ભરશો તો પણ ચાલશે. આટલુંબધું બિલ આજસુધી ક્યારેય આવ્યું નથી. આ વખતે આટલું મોટું બિલ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું.’

બોરીવલી-વેસ્ટના ગોરાઈ વિલેજમાં રહેતા રૉયસટન ગુડિનોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ જેટલાં ઘર છે. વૉચડૉગ ફાઉન્ડેશનને સપોર્ટ કરવા માટે અમે બધાએ ગઈ કાલે રાતે આઠથી સાડાઆઠ વાગ્યા દરમ્યાન ઘરની લાઇટો બંધ કરીને વિરોધ કર્યો હતો. હાલમાં કોરોના-સંકટ છે, લૉકડાઉન પણ ચાલી રહ્યું છે અને લોકો માટે ખાવા માટે રૂપિયા નથી અને આવી કપરી પરિસ્થિતિ ચાલી રહી છે છતાં વીજ-કંપનીઓ દ્વારા આટલું મોટું બિલ આપી રહ્યા છે તો લોકો કેવી રીતે બિલ ભરી શકશે એનો વિચાર તો વીજ-કંપનીઓએ કરવો જોઈએને.’

તો અંધેરીમાં રહેતા કૌશિક ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મે મહિનામાં લાઇટબિલ ૨૮૦૦ રૂપિયા આવ્યું હતું, જ્યારે જૂન મહિનામાં ૫૦૦૦ રૂપિયા બિલ આવતાં મેં અદાણી ઇલેક્ટ્રિસિટીને ટ્વિટર પર ફરિયાદ કરી છે. કોરોના મહામારીમાં લોકોને આમ બેફામ રીતે કેમ લૂંટી શકે? એટલે મેં ગઈ કાલે રાતતે આઠથી સાડાઆઠ વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ રાખીને વીજ-કંપનીઓ સમક્ષ મારો વિરોધ નોંધાવ્યો હતો.

mumbai mumbai news coronavirus covid19 lockdown kandivli urvi shah-mestry