બ્લડ બૅન્કમાં પણ લોહીની અછત ઊભી થઈ છે ત્યારે ઘેરબેઠાં બ્લડ ડોનેશન

11 May, 2020 07:25 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બ્લડ બૅન્કમાં પણ લોહીની અછત ઊભી થઈ છે ત્યારે ઘેરબેઠાં બ્લડ ડોનેશન

કોઈ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ ન થાય એ રીતે મોબાઇલ વૅનમાં તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે.

કોરોના-સંકટમાં દેશભરમાં ૨૩ માર્ચથી લૉકડાઉન લાગુ કરાયું છે અને આવી પરિસ્થિતિમાં મુંબઈમાં રહેતા બ્લડ કૅન્સરના દરદીઓ માટે કે સર્જરી વખતે બ્લડની ભારે અછત સર્જાઈ છે. શહેરની બ્લડ બૅન્કમાં કોરોનાના ડરને લીધે રક્તદાન કરવા કોઈ તૈયાર ન હોવાથી આવી મુશ્કેલી ઊભી થઈ છે. આવા સંજોગોમાં વર્ષોથી નિયમિત રીતે બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરીને હજારો બૉટલ લોહી બ્લડ બૅન્કોને પહોંચાડતી ત્રણ સંસ્થાઓએ સાથે મળીને નવતર પ્રયોગ શરૂ કર્યો છે. કોઈ પણ સોસાયટીમાં ૧૦થી વધુ બ્લડ ડોનર નોંધાય તો રક્તદાન કરવા માટેની તમામ સુવિધા સાથે મોબાઇલ વૅન મોકલીને બ્લડ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે.

સામાન્ય સંજોગોમાં મુંબઈમાં એક અંદાજ મુજબ દર વર્ષે ૬ લાખ બૉટલ લોહીની જરૂર પડે છે, એની સામે અસંખ્ય સંસ્થાઓના પ્રયાસ બાદ પણ સાડાત્રણ લાખ બૉટલ જ લોહી પ્રાપ્ત થઈ શકે છે. લૉકડાઉનમાં બે મહિનાથી બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન થયું ન હોવાથી શહેરની બૅન્કોમાં ૯થી ૧૦ દિવસ ચાલે એટલું જ લોહી બાકી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આવી જ સ્થિતિ રહી તો થથૅલેસેમિયા (બ્લડ કૅન્સર)ના દરદીઓ માટે કે સર્જરી માટે જરૂરી બ્લડ મેળવવું મુશ્કેલ બની જશે. જે સંસ્થાઓ ત્રણ મહિનમાં ચારથી પાંચ હજાર બૉટલ બ્લડ એકત્રિત કરતી હતી એ અત્યારે તમામ પ્રયાસ બાદ ૩૫૦ જેટલી બૉટલ જ મહિને મેળવી શકી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચેક દિવસ પહેલાં તરુણ મિત્ર મંડળ, કચ્છ યુવક સંઘ અને સુમતિ ગ્રુપ-મુલુંડ નામની ત્રણ સંસ્થાઓએ સાથે આવીને જે લોકો બ્લડ ડોનેટ કરવા માગતા હોય તેમની પાસે જઈને રક્તદાનની સેવાની શરૂઆત કરી છે.

ત્રણેય સંસ્થાઓનું કો-ઑર્ડિનેશન કરી રહેલા નવી મુંબઈમાં રહેતા નીલેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણેય સંસ્થા વર્ષોથી પોતપોતાની રીતે મુંબઈભરમાં બારેય મહિના બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરીને દર વર્ષે હજારો બૉટલ લોહી બ્લડ બૅન્કને સુપરત કરે છે. કોરોનાનો ભય અને લૉકડાઉનને લીધે કૅમ્પનું આયોજન શક્ય નથી એટલે સોસાયટીઓમાં જઈને બ્લડ કલેક્ટ કરવાની પાંચેક દિવસથી અમે શરૂઆત કરી છે. શહેરની મોટા ભાગની બ્લડ બૅન્કોમાં બે મહિનાથી રક્તદાનની પ્રવૃત્તિ લગભગ બંધ હોવાથી બ્લડની ખૂબ જ જરૂરિયાત હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આવો નિર્ણય લેવામાં આવ્યો છે.’

કોરોનાનો ડર

મુંબઈમાં અસંખ્ય લોકો નિયમિત બ્લડ ડોનેટ કરે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર યોજાતી રક્તદાન શિબિરમાં વ્યસ્ત હોવા છતાં લોકો બ્લડ આપે છે. અત્યારે લૉકડાઉનમાં બધાં કામકાજ બંધ છે ત્યારે બધા પાસે સમય જ સમય છે, પરંતુ લૉકડાઉનના નિયમને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન ન કરી શકાય એથી લોકો બ્લડ આપવા માગે છે, પરંતુ આપતી નથી શકતા.

રક્તદાનની માહિતી નથી

લૉકડાઉનમાં પણ લોકો રક્તદાન કરી શકે એની મોટા ભાગના લોકોને માહિતી નથી. આથી નિયમિત રીતે બ્લડ ડોનેશન કરતી ત્રણેય સંસ્થાએ સાથે મળીને કૅમ્પને બદલે લોકોની સોસાયટીમાં જઈને લોહી એકત્રિત કરવાની શરૂઆત કરી છે. સોશ્યલ મીડિયામાં સંસ્થા દ્વારા અત્યારે બ્લડની ખૂબ જરૂર હોવા બાબતના મેસેજ બનાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક સોસાયટી કે આસપાસ ૧૦ જણ રક્તદાન કરવા માગતા હોય તો તેમને ત્યાં તમામ સુવિધા સાથેની મોબાઇલ વૅન પહોંચી જાય છે.

લૉકડાઉનના નિયમોનું કડક પાલન

લોકોમાં કોરોના-સંક્રમણનો ડર હોવાથી તેઓ ઘરની બહાર નીકળતાં ડરે છે, પરંતુ બ્લડ એકત્રિત કરતી આ સંસ્થાઓ દ્વારા રક્તદાનની પ્રક્રિયા વખતે ખૂબ જ સાવધાની રાખવામાં આવે છે. મોબાઇલ વૅનમાં એક સમયે એક જ વ્યક્તિનું બ્લડ કલેક્ટ કરાય છે. અડધા-અડધા કલાકના અંતરે લોકોને બોલાવાતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે. ટીમ સંપૂર્ણ રીતે પર્સનલ પ્રોટેક્શન કિટ પહેરીને કામ કરે છે.

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19