મુંબઈથી ટૅક્સી અને રિક્ષામાં બેસી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે પરપ્રાંતીયો

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Agencies

મુંબઈથી ટૅક્સી અને રિક્ષામાં બેસી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે પરપ્રાંતીયો

થાણેમાં મુંબઈ-નાસિક હાઇવે પર ટ્રકમાં બેસીને પોતાના વતન જવા માંગતા પરપ્રાંતીયો. તસવીર : પી.ટી.આઈ

લૉકડાઉનની વચ્ચે સ્થળાંતરિત કામદારો માટે ‘સ્વપ્નનગરી મુંબઈ’ હવે એક દુઃસ્વપ્ન સમાન બની રહી છે અને ટૅક્સી અને ઑટોરિક્ષા ચલાવનારા ઘણા સ્થળાંતરિતોએ પોતપોતાનાં વાહનોમાં વતનની વાટ પકડી છે એમ યુનિયનનાં સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ-આગરા હાઇવે પર એક સાઇકલસવારે જણાવ્યું હતું કે તેણે સ્થળાંતરિતોને ટ્રકો, ઑટોરિક્ષા અને બાઇક પર મધ્ય અને ઉત્તર ભારતના તેમના વતન તરફ જતા જોયા હતા.

કેન્દ્રીય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને પગલે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને વધુ લંબાવવામાં આવે એવી શક્યતા વધી રહી છે ત્યારે ઘણા ઑટો અને ટૅક્સી-ડ્રાઇવર તેમની કાળા-પીળા રંગની ટૅક્સી તથા રિક્ષાઓમાં વતન તરફ જઈ રહ્યા છે.

મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના એ. એલ. ક્વોડ્રોસે જણાવ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રિજનથી ૧૦૦૦ કરતાં વધુ કાળી અને પીળી ટૅક્સી તથા ૫૦૦૦ ઑટોરિક્ષા શહેર છોડીને જતી રહી છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રિજનમાં આશરે ૪૫,૦૦૦ કાળી-પીળી ટૅક્સી અને આશરે પાંચ લાખ ઑટોરિક્ષા છે એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈને છોડીને સાઇકલ પર ઘરે પાછા જવા નીકળ્યા છે માઇગ્રન્ટ્સ

મુંબઈની ઉત્તરે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પર વૃક્ષો ઓછાં હોવાથી આગ ઝરતી ગરમીમાં છાંયડો મેળવવો દોહ્યલો બની રહ્યો છે.

આ માર્ગ પરથી હજારો સ્થળાંતરીઓ પસાર થઈ રહ્યા છે અને એમાંના ઘણા સ્થળાંતરીઓ સાઇકલ પર ઉત્તર પ્રદેશના ગોરખપુર અથવા ઓડિશાના કાલાહંડી જવા નીકળ્યા છે. અત્યારે તેમનું એકમાત્ર ધ્યેય દેશમાં કોરોના વાઇરસનું સૌથી મોટું હૉટસ્પૉટ બનેલા મુંબઈને છોડીને જવાનું છે. જ્યારે લૉકડાઉન પ્રથમ વખત લંબાવવામાં આવ્યું ત્યારે પણ ઘણા સ્થળાંતરી મજૂરો પગપાળા તેમના વતનનાં રાજ્યો તરફ જવા નીકળી પડ્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસમાં વધુ ને વધુ સ્થળાંતરીઓ સાઇકલ પર બેસીને વતન ભણી પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે.

પોલિયોમાં એક પગ ગુમાવી બેસેલા ૨૭ વર્ષના રામજીવન નિષાદ નામના યુવકે નાલાસોપારાથી સાઇકલ પર ૮૦ કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેની સાથે ગોરખપુર જઈ રહેલા ડઝન લોકોનું જૂથ છે. નિષાદ વાશિંદ જવા માગે છે. નિષાદે જણાવ્યું કે ‘લોકોથી ખીચોખીચ ભરાયેલી ટ્રકમાં મુસાફરીનું ભાડું ૩૫૦૦ રૂપિયા કરતાં વધુ છે, બસનું ભાડું એના કરતાં બમણું છે અને મારી પાસે ફક્ત ૭૦૦ રૂપિયા છે.’

જોકે સેંકડો મજૂરો પાસે સાઇકલ ન હોવાથી તેમણે ૫૦૦૦ રૂપિયાની નવી સાઇકલ ખરીદવી પડી હતી.

સાઇકલસવારોના અન્ય એક જૂથે જણાવ્યું કે ‘અમે મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ અને અમારે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે. જો ત્યાં જ રહીશું તો નિઃશંકપણે વાઇરસની ચપેટમાં આવી જઈશું એવો ભય અમને સતાવી રહ્યો હતો એથી અમને શહેર છોડવું જ યોગ્ય લાગ્યું.’

mumbai mumbai news coronavirus covid19 lockdown