આજથી જિમ્નેશ્યમ અને મૉલ પણ ખૂલશે : ગ્રાહકો માટે વિશેષ સાવચેતી

05 August, 2020 07:14 AM IST  |  Mumbai | Mumbai correspondent

આજથી જિમ્નેશ્યમ અને મૉલ પણ ખૂલશે : ગ્રાહકો માટે વિશેષ સાવચેતી

શોપિંગ મૉલ- ફાઈલ તસવીર

કોરોનાને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનને હવે મિશન બિગિન અગેઇન હેઠળ તબક્કાવાર ખુલ્લું કરાઈ રહ્યું છે ત્યારે આજે પાંચમી ઑગસ્ટથી મુંબઈ મહાનગરપાલિકાએ રોડની બન્ને બાજુની દુકાનો દરરોજ ખોલવાની આપેલી પરવાનગી સાથે જિમ્નેશ્યમ અને મૉલ ખુલ્લાં કરવાની પરવાનગી પણ આપી છે. જોકે તેમણે એને માટે સાવચેતીનાં અનેક પગલાં લેવાં પડશે એમ પણ જણાવ્યું છે.

બીએમસીએ દુકાનો ઑડ-ઈવન ખોલવાની છૂટ આપી હતી, પણ મૉલ્સ અને જિમ્નેશ્યમમાં એકસાથે અનેક લોકો આવતા હોવાથી ગિરદી વધી શકે અને કોરોના ફેલાવાની શક્યતા વધી જાય એથી તેમને છૂટ નહોતી અપાઈ. બીજી બાજુ મૉલ્સના ઊંચાં ભાડાં, હજારોની સંખ્યામાં એ મૉલની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ બેરોજગાર થવા માંડ્યા અને એ જ રીતે જિમ્નેશ્યમ અને યોગ ક્લાસિસમાં કામ કરનાર કર્મચારીઓ અને પ્રશિક્ષકોની હાલત ખરાબ થઈ ગઈ હતી એથી આ બધાનો વિચાર કરતાં એને પણ ખોલવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી થઈ હતી. જોકે હવે તેમને પરવાનગી અપાઈ છે, પણ સાવચેતી રાખવા માટેનાં પગલાં લેવાની પણ શરતો રખાઈ છે. મૉલ અને જિમ્નેશ્યમમાં અનેક લોકોની અવરજવર રહેશે એ સાથે જ એ લોકો અનેક જગ્યાએ ટચ કરવાના ચાન્સ પણ રહે છે ત્યારે આ બાબતે વધુ કાળજી લેવા તેમને જણાવાયું છે.

ઘાટકોપરના આર.સિટી મૉલમાં લોકો માટે કેટલાક કમ્પલ્સરી નિયમોનું પાલન કરવાની અને લોકો માટે વિશેષ સુવિધા આપવાની ગોઠવણ કરી છે. મૉલમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના મોબાઇલમાં આરોગ્ય સેતુ ઍપ હોવી જરૂરી છે. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનું ફરજિયાત છે. એ ઉપરાંત તેમણે લિફ્ટમાં બટનને ટચ ન કરવા પડે એ માટે સેન્સર બેસાડાયાં છે. વળી મૉલની દરેક દુકાનમાં પણ જો ખરીદી થાય તો એ માટે હાર્ડ કૅશ-રોકડની લેતી–દેતી પર રોક લગાવીને માત્ર ડિજિટલ પેમેન્ટની જ છૂટ અપાઈ છે. આમ બની શકે એટલી વધુ કાળજી લેવાઈ રહી છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown