મુંબઈ : પરપ્રાંતીયો વતન જતાં ટ્રક થઈ ડ્રાઇવર વગરની

14 May, 2020 07:37 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : પરપ્રાંતીયો વતન જતાં ટ્રક થઈ ડ્રાઇવર વગરની

સામાન્ય રીતે ડ્રાઇવરો ટ્રકમાં જ સૂઈ જતા હોય છે. ઘણા સમયથી બેકાર હોવાને કારણે તેઓ વતનમાં જવા નીકળી ગયા છે. તસવીર : સતેજ શિંદે

અન્ય પ્રાંતોમાં રહીને રોજગાર કમાતા મજૂરોને તેમના વતનમાં જવાની છૂટ આપ્યા પછી ટ્રાન્સપોર્ટ-ઇન્ડસ્ટ્રી ટ્રક-ડ્રાઇવરોની તંગીની ફરિયાદ કરે છે. સરકારે કોરોના લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાંથી આવતા કર્મચારીઓને જ્યાં હોય ત્યાં રોક્યા હતા. પરંતુ એ નિયંત્રણો ગયા અઠવાડિયે હટાવાતાં શ્રમિકો બસો, ટ્રેનો અને ટ્રકો દ્વારા તેમ જ મુશ્કેલી હોય તો પગપાળા વતનમાં જવા નીકળ્યા હતા. કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં નોંધપાત્ર પ્રમાણમાં ડ્રાઇવર્સની તંગી ઊભી થઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ કહે છે. એ તંગીની અસર આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર થવાની શક્યતા ટ્રાન્સપોર્ટર્સ દર્શાવે છે. 

પરપ્રાંતીય કામગારોને તેમના વતનમાં પહોંચાડવા અત્યાર સુધીમાં મુંબઈ તથા આસપાસનાં શહેરોમાંથી 150 ટ્રેનો રવાના થઈ ચૂકી છે.

ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આર્યે જણાવ્યું હતું કે ‘સરકારે 20 એપ્રિલથી આવશ્યક ચીજોના પુરવઠાનો સિલસિલો યથાવત કરવાનો આદેશ આપ્યા પછી રસ્તા પર ટ્રાન્સપોર્ટનાં વાહનોનું પ્રમાણ 30 ટકા ઘટી ગયું છે. જે ડ્રાઇવર્સ બચ્યા છે તે પરપ્રાંતીય કામગારો માટે શરૂ કરવામાં આવેલી ટ્રેનોમાં રવાના થઈ જશે. માંડ 20 ટકા ડ્રાઇવર્સ બચતાં ટ્રાન્સપોર્ટ કંપનીઓ માટે સમસ્યા ઊભી થશે. અચાનક લૉકડાઉન શરૂ થતાં ડ્રાઇવરોએ તેમની ટ્રકો જ્યાં હતી ત્યાં છોડી મૂકી હતી. અડધે રસ્તે રઝળી પડેલા ડ્રાઇવરોની સ્થિતિ કપરી હતી. એ ડ્રાઇવરોને આખા પરિવારને આવરી લેતી ગવર્નમેન્ટ હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમનો લાભ આપીને ફરી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.’

મહેન્દ્ર આર્યે જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટર્સે વિવિધ મંત્રાલયોમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓની રજૂઆત કરી છે. અમે રોડ ટૅક્સ, વેહિકલ ફિટનેસ ચાર્જિસ, નૅશનલ પરમિટ ફી, ફાસ્ટ ટૅગ ટૉપ અપ્સ અને ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ્સ મળીને પાંચ પ્રકારના કરવેરા ચૂકવીએ છીએ. એ કરવેરાનો સરકારી આવકમાં મોટો હિસ્સો છે. આટલા પૈસા ચૂકવવા છતાં ટ્રકમાલિકોને છૂટથી સારી રીતે ધંધો કરવાની ખાતરી મળતી નથી.’

mumbai mumbai news coronavirus covid19 lockdown rajendra aklekar