ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ્સને એપીએમસીના નિયમોમાંથી મુક્તિ નહીં આપો તો...

18 June, 2020 07:24 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ્સને એપીએમસીના નિયમોમાંથી મુક્તિ નહીં આપો તો...

ગ્રોમા સહિતના વેપારીઓનું પ્રતિનિધિમંડળ વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને આવેદનપત્ર આપી રહ્યું છે.

કોરોના-સંકટ દરમ્યાન કરાયેલા લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે કૃષિ માલ પરનાં નિયમન નાબૂદ કર્યાં છે અને જીવનાવશ્યક વસ્તુઓનું વેચાણ કાયદામાંથી મુક્ત કર્યું છે. જોકે નવી મુંબઈ સહિતની મહારાષ્ટ્રની તમામ એપીએમસીમાં આ નિયમન કાયમ રખાયું હોવાથી ડાયરેક્ટ વેચાણ કરતા વેપારીઓ અને એપીએમસી સાથે સંકળાયેલા વેપારીઓના ભાવમાં અસમાનતા આવતાં તેઓએ પરિણામ ભોગવવાં પડશે. ઑલરેડી કોરોના લૉકડાઉનને કારણે માર પડ્યો જ છે એમાં જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો વેપારીઓનું ઉઠમણું થઈ જશે એવું વેપારીઓ માની રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ કાયદો રદ કરવાની માગણી કરતું આવેદનપત્ર ગઈ કાલે વેપારીઓએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને આપ્યું હતું.
ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્‌સ મર્ચન્ટ્‌સ અસોસિએશન (જીઆરઓએમએ-ગ્રોમા)એ ગઈ કાલે આપેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે અમે ભૂતપૂર્વ પ્રધાન પ્રકાશ મહેતા સાથે વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં સામે ગ્રોમાના પ્રમુખ શરદ મારુ, ભીમજી ભાનુશાળી, અમૃતલાલ જૈન અને એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરાએ તમામ કૃષિ માલને એપીએમસીના નિયમમાંથી મુક્ત કરવાની માગણી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.

ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૃષિ પેદાશને એપીએમસી માર્કેટના નિયમમાંથી મુક્ત નહીં કરાય તો વેપારીઓ બહારના વેપારીઓ સામે ટકી નહીં શકે. સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવમાં અસમાનતા ન રહે એ માટે નિયમન રદ કરવું જરૂરી છે. દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું છે. પ્રકાશ મહેતાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને પ્રધાન બાળાસાહેબ પાટીલ સાથે મુલાકાત કરવાની ખાતરી આપી હતી.’

એપીએમસી માર્કેટમાં જયંતીલાલ વિઠ્ઠલદાસ કંપની ધરાવતા દિવ્યેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસીના કાયદા અને સેસ નીકળી જવાં જોઈએ. આ ટૅક્સથી ખેડૂતથી લઈને ગ્રાહક સુધી બધાને નુકસાન થઈ રહ્યું છે. આજે બે ટકાનો ધંધો રહી ગયો છે. આટલો જ ટૅક્સ એપીએમસીમાં આપતા રહીશું તો અમારે વેપાર બંધ કરવો પડશે. સરકાર જો આ નિયમન દૂર નહીં કરે તો અહીં કામ કરતા સક્ષમ વેપારીઓ એપીએમસીની બહાર જગ્યા લઈને વેપાર કરશે. વેપારીઓના મેઇન્ટેનન્સથી માર્કેટનું સરળ સંચાલન થઈ શકે છે એથી કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.’

કૃષિ પેદાશને એપીએમસી માર્કેટના નિયમમાંથી મુક્ત નહીં કરાય તો વેપારીઓ બહારના વેપારીઓ સામે ટકી નહીં શકે. સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવમાં અસમાનતા ન રહે એ માટે નિયમન રદ કરવું જરૂરી છે.

- ભીમજી ભાનુશાળી, ગ્રોમાના સેક્રેટરી

mumbai mumbai news apmc market coronavirus covid19 lockdown devendra fadnavis